વોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના

ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ઇતિહાસે રચ્યો, વોલીબોલમાં પ્રથમવાર બન્યા ચેમ્પિયન

વોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના

Mysamachar.in-ગીર સોમનાથ:

રાષ્ટ્રીય કક્ષાએ કોઈ રાજ્યની ટીમ વિજેતા બને અને પણ તેમા અડધા કરતા વધુ ખેલાડીઓ એક જ જિલ્લાના હોય તે માન્યા ન આવે તેવી વાત છે. પરંતુ આ હકીકત છે. 24 મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. તેમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ સાત મહિલા ખેલાડીઓ રમ્યા હતા. તેમાં પણ  આ ટીમના કોચ તરીકે એક સમયે ભારત તરફથી રમેલા ગીર સોમનાથ જિલ્લાના પરિતાબેન વાળા રહ્યા હતાં.આ ટીમને ચેમ્પિયન થવા માટે રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ  સંઘવીએ પણ ટ્વીટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યાં હતા.

આ ટીમમાં વોલીબોલનો હબ ગણાતા સરખડી ગામની સંધ્યા રાઠોડ (કેપ્ટન), ઉષા વાળા, દિશા વાળા,  નિરાલી વાળા, પ્રિયંકા ઝાલા અને મનીષા ઝાલા નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકી હતી. સાથે જ સિંધાજ ગામની બારડ નીપાએ પણ ગુજરાતનું નામ રોશન કર્યું. આમ, ગીર સોમનાથ જિલ્લાની સાત ખેલાડીઓ ગુજરત રાજ્યની ટીમમાં રમી હતી.  આમ, ગુજરાતના ચેમ્પિયન બનાવવામાં ગીર સોમનાથ જિલ્લાનુ ખૂબ મોટુ યોગદાન રહ્યું હતું.

ટીમના કોચ રહેલા પરીતા વાળાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન પુરતી પ્રેક્ટિસ કરી શક્યા ન હતા. પરંતુ ઘણા ખેલાડીઓ અમારા ગામના એટલે કે, સરખડીના હોવાના કારણે એક સાથે પ્રેક્ટિસ કરતા હોવાથી એક અદભૂત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળે છે. જે વોલીબોલમાં સફળ થવા માટે ખૂબ અગત્યનું હોય છે. જોકે વોલીબોલમાં સરખડી ગામનો ખેલાડીઓનો દબદબો રહ્યો છે પરંતુ અમારી ટીમ મજબૂત હોવા છતાં કોઈ પણ પ્રતિદ્વંદી ટીમને કમત્તર આંકવી ભૂલભરેલું ગણાય. ખેલાડીઓને મેચ દરમિયાન પણ સતત ખેલાડીઓને ગાઇડન્સ આપવામાં આવતું હતું. ઉપરાંત આ ટૂર્નામેન્ટ પહેલા પણ એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. તે  ખેલાડીઓના તાલમેલ બેસાડવામાં મદદરૂપ બન્યો હતો,

આ ટીમે કોઈને આશા ન હતી તે રીતે ફાઇનલ મેચમાં મજબૂત ગણાતી કેરલની ટીમને પણ 3-0 સજજડ પરાજય આપ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતનું એકહથ્થુ પ્રભુત્વ જોવા મળ્યું હતું. તેમ કોચ પરિતાબેન વાળાએ ઉમેર્યું હતું.જીલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાએ જણાવ્યું કે, આ જીત દિકરીઓની સખત મહેનતનુ પરિણામ છે. દિવસ–રાત પ્રક્ટિસ કરીને કોરોનાકાળ દરમિયાન પણ પોતાની ફિટનેશ જાળવી રાખી હતી. આમ પણ સરખડી ગામને વોલીબોલનુ હબ માનવામાં આવે છે, તે મુજબ અહિંયાથી ઘણાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વોલીબોલના ખેલાડીના નિકળ્યાં છે. સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રમતવીરોને પણ આજે એટલો જ સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યો હોવાથી ગુજરાતે ઇતિહાસ રચ્યો છે. તેવુ સઆનંદ જણાવ્યું હતું.

જિલ્લા વ્યાયામ મંડળના પ્રમખ વરજાંગ વાળાએ જણાવ્યું કે, ગુજરાતે ઈતિહાસ પહેલીવાંર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પહેલાં ગુજરાતે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમાં પણ ગુજરાતની આ જીતમાં ગીર સોમનાથ જિલ્લાનુ મહત્વનુ યોગદાન રહ્યું છે. રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિ, શક્તિદૂત યોજના, રમત ગમત માટે સવલતો, સહિત બાબતોથી  ખેલાડીઓનુ મનોબળ વધ્યું છે. તેના પગલે આ જવલત સફળતા મળી રહી છે. ચંડીગઢ ખાતે રમાયેલી જૂનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતે એકતરફી જીત મેળવી હતી. આ ચેમ્પયનશિપનું મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં તા.10 મે થી 15 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યુ હતું.