ગ્રામલોકો અને વાહન ચાલકોએ ટ્રકમાંથી દોરડા કાઢીને અનેક જીવ બચાવ્યા !

દૂર્ઘટના થયા બાદ જ જાગશો ?

ગ્રામલોકો અને વાહન ચાલકોએ ટ્રકમાંથી દોરડા કાઢીને અનેક જીવ બચાવ્યા !

Mysamachar.in-જૂનાગઢ

મેંદરડાથી 12 કિલોમીટર દૂર આવેલા માલણકા ગામ પાસેનો સાબલીયા પુલ અચાનક જ બેસી જતા મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. આ રોડ પરથી પસાર થતી ત્રણ કાર ધડાકાભેર નદીમાં ખાબકી હતી. આ ત્રણેય કારમાં બેઠેલા બાળકો સહિત 10થી 12 વ્યક્તિ ફસાઇ ગયા હતા. જેને બાદમાં સ્થાનિક લોકોની મદદથી દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. તો 8 વ્યક્તિને ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મંજુરી ન આપતા પુલ તુટયો: સરપંચ

માલણકા ગામના સરપંચ ભૂપતભાઈ સસોરએ જણાવ્યું કે, ગામની આગળ મધુવંતી ડેમ આવેલો છે, તેનું પાણી આ પુલ નીચેથી પસાર થાય છે, અહીના અનેક નાના પુલિયા અને આ પુલ જર્જરિત હતો, જેમાં તાજેતરમાં નાના પુલિયા રીપેર કરાવ્યા હતા. પણ આ મોટો પુલ રીપેર કરવા માટે ડાયવર્ઝન કાઢવું પડે તેમ હતું જેની વનવિભાગે મંજુરી ન આપતા તેનું કામ રહી ગયું હતું. જેથી આ પુલ તૂટી પડયો છે. હવે નાના વાહનને વાયા જલંધર અને મોટા વાહનને વાયા અજાબ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સાસણ જતા રોડ ઉપર મેંદરડા નજીકનો સાબલીયા પુલ રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ ધરાસાયી થયો હતો. આ દરમિયાન પુલ પરથી પસાર થતી ત્રણ કાર પણ પુલની સાથે નીચે ખાબકી હતી. જેથી કારમાં બેઠેલા મુસાફરો ચિચિયારી સાથે નદીમાં ખાબક્યા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તુરંત 108 તથા પોલીસને જાણ કરી હતી. જો કે એ પહેલા જ ગામ લોકો અને વાહન ચાલકોએ ટ્રકમાંથી દોરડા કાઢીને બચાવ કામગીરી કરી હતી. એક કાર પુલ ઉપર લટકતી હાલતમાં હતી, તેમાંથી બાળકોને બચાવ્યા હતા.

રાજ્યમાં હજુ પણ અનેક પુલ જર્જરિત

પુલ ધરાસાયીની ઘટના બાદ સ્થાનિક લોકો સહિત જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ તેઓનું માનવું છે કે હંમેશની જેમ તંત્ર દૂર્ઘટના બાદ જ કેમ જાગે છે, હજુ પણ રાજ્યમાં અનેક એવા પુલ કે રસ્તાઓ છે જે ગમે તે સમયે બેસી જાય તેવા છે. શું રાજ્ય સરકારના PWD વિભાગ માત્ર કાગળ પર જ કામ કરે છે ? વરસાદ બાદ અનેક રસ્તાઓ તથા પુલનું ધોવાણ થઇ ગયું છે, હવે તો વરસાદ પણ બંધ થઇ ગયો છે, ત્યારે તંત્ર હજુ કોઇ મોટી દૂર્ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.