નવરાત્રીમાં ઘટસ્થપાનનું મુર્હુત, ક્યાં દિવસે ક્યાં માતાજીની કરવી પૂજા, શું પાળવા નિયમો વાંચો તમામ માહિતી

માતાજીની સવારી કેવી રીતે નક્કી થાય છે તે પણ વાંચો

નવરાત્રીમાં ઘટસ્થપાનનું મુર્હુત, ક્યાં દિવસે ક્યાં માતાજીની કરવી પૂજા, શું પાળવા નિયમો વાંચો તમામ માહિતી

Mysamachar.in-જામનગર

લોકો માટે આસ્થા સાથે ઉત્સાહનો તહેવાર એટલે નવરાત્રી... આ વર્ષે શારદીય નવરાત્રિનો આરંભ 07મી ઓકટોમ્બર 2021 ગુરૂવારથી ચિત્રા નક્ષત્રમાં થઈ રહ્યો છે. અને માતાજીનું આગમન ડોલી પર થઈ રહ્યું છે.શારદીય નવરાત્રીમાં ઘટસ્થાપન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે ઘટસ્થાપન કરવા માટેનું શ્રેષ્ઠ મૂહર્ત આ પ્રમાણે છે.

**આ સમય દરમ્યાન ઘટ સ્થાપન કરવું શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે.

પ્રથમ મૂહર્ત-07મી ઓકટોમ્બર 2021 સવારે 06 કલાક 44 મિનીટથી સવારે 08 કલાક 13 મિનીટ સુધીનું છે. 
દ્વિતિય મૂહર્ત-07મી ઓકટોબર 2021 સવારે 11 કલાક 30 મિનીટથી બપોરે 12 કલાક 30 મિનીટ સુધીનું છે. 
તૃતિય મૂહર્ત-07મી ઓકટોમ્બર 2021 બપોરે 12 કલાક 15 મિનીટથી બપોરે 01 કલાક 01 મિનીટ સુધીનું છે.

આ વર્ષે અદભૂત લાભના સંયોગ બન્યા છે. આ વર્ષે માતાજીનું આગમન ડોલી પર થઇ રહ્યું છે. માટે દેશ અને દુનિયામાં અર્થવ્યવસ્થા અને રાજનીતિ ખુબજ સારી રીતે ચાલે તેવી સંભાવના દેખાય રહી છે. દેવી ભાગવત અનુસાર નવરાત્ર ગુરૂવારે શરૂ થતા હોવાથી ડોલી પર માતાજીનું આગમન શુભ ફળ આપે છે.

-માતાજીની સવારી કેવી રીતે નક્કી થાય છે ?

શશિસૂર્ય ગજારૂઢા શનિભોમે તુરંગમ, ગુરૌ શુક્રે ચ દોલાયાં, બુધે નૌકા પ્રકીર્તિતા |
અર્થાત દેવી ભાગવતમાં જણાવાયું છે કે રવિવારે અને સોમવારે જો પ્રથમ પૂજા કે કળશ સ્થાપના હોય તો માં દુર્ગા હાથી પર સવાર થય ને આવે છે.શનિવાર અને મંગળવારે કળશ સ્થાપના હોય તો મા દુર્ગા ઘોડા પર સવાર થયને આવે છે. ગુરૂવારે અને શુક્રવારે કળશ સ્થાપના હોય તો માતા ડોલીમાં સવાર થયને આવે છે. અને જો બુધવારે કળશ સ્થાપના હોય તો માતા નાવ પર સવાર થય ને આવે છે.

જે વર્ષે માતાજી ડોલી પર સવાર થયને આવે તે વર્ષે દેશની આર્થીક વ્યવસ્થા શ્રેષ્ઠ દિશા તરફ આગળ વધે છે, શિક્ષણ અને અધ્યાત્મ ક્ષેત્રમાં ખુબજ મોટી સફળતા પ્રાપ્ત થાય છે, ખેડૂતોને અનાજના સારા ભાવ મળે છે. ખેતી સારી થાય છે.માં દુર્ગાનું આ વાહન કામના પૂર્તિ કરનારૂ પણ માનવામાં આવે છે. ડોલી વિહારની મુદ્રામાં દેવીનું પ્રાગટ્ય આ નવરાત્રિમાં સાધના અને ઉપાસનાથી અભીષ્ટ સિદ્ધિ તરફ ઈશારો કરે છે.જે ભકતો નવરાત્રી દરમ્યાનમાં નવદુર્ગાની પૂજા અને ઉપાસના કરે છે માતાજી એમને ત્યાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે, અને સદાને માટે માતાજીની કૃપા દ્રષ્ટિ એમના ભક્તો અને એમના ભક્તોના પરિવાર ઉપર રહે છે.

-નવરાત્રી દરમ્યાન કયા દિવસે કયા માતાજીની પૂજા કરવી?

નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રી પ્રારંભ-આસો સુદ એકમ, તારીખ:07-10-2021, ગુરૂવાર, પ્રથમ રાત્રીએ શૈલપુત્રી માતાજીની પૂજા કરવી.
આસો સુદ બીજ, તારીખઃ08-10-2021, શુક્રવાર બીજી રાત્રી એ બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરવી 
આસો સુદ ત્રીજ-ચોથ, તારીખઃ09-10-2021, શનિવાર ત્રીજી રાત્રી એ ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવી, ચોથી રાત્રી એ કુષ્માંડા માતાજીની પૂજા કરવી,
આસો સુદ પાચમ, તારીખઃ10-10-2021 રવિવાર પાંચમી રાત્રી એ સ્કંદમાતા માતાજીની 
સુદ છઠ, તારીખઃ 11-10-2021, સોમવાર છઠી રાત્રી એ કાત્યાયની માતાજીની પૂજા કરવી,
આસો સુદ સાતમ, તારીખ:12-10-2021, મંગળવાર સાતમી રાત્રી એ કાલરાત્રી માતાજીની પૂજા કરવી,
આસો સુદ આઠમ, તારીખઃ10-10-2021, બુધવાર આઠમી રાત્રી એ મહાગૌરી માતાજીની પૂજા કરવી,
આસો સુદ નોમ, તારીખઃ14-10-2021, ગુરૂવાર, નવરાત્રી પૂર્ણ નવમી રાત્રી એ સિદ્ધિદાત્રિ માતાજીની પૂજા કરવી,
આસો સુદ દશમ, તારીખઃ15-10-2021, શુક્રવાર, (વિજયાદશમી)

નવરાત્રી દરમિયાન પ્રતિ દિવસ સુધી નવ કુમારી કન્યાઓની પૂજા કરવી જોઇએ. નવરાત્રી દરમિયાન બ્રાહ્મણોને ભોજન અને ધનનું દાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યમાં વધારો થાય છે. નવરાત્રીમાં વ્રત કરનારા ભક્તોએ ફળ અને અન્નનું દાન કરવું જોઈએ.દેવી પૂજા કરતા સમયે હાર-ફૂલ, પ્રસાદ, કુમકુમ, ચંદન, ચોખા વગેરેથી પૂજા કરવી જોઇએ. નવરાત્રી દરમ્યાન દુર્ગાશપ્તસતીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.તેમજ દશેરાને દિવસે દશાંશ યજ્ઞ કરવો જોઈએ, દુર્ગાશપ્તસતી પાઠનો યજ્ઞ પણ કરવો.

-માતાજીની ઉપાસના દરમ્યાન પાળવાના નિયમો

માતાજીની પૂજા-ઉપાસના કરનાર વ્યક્તિએ નવરાત્રી દરમ્યાન શક્ય હોય તો ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું.માતાજીની પૂજામાં વિવિધ પુષ્પો-ફાળો-નૈવૈધનો ઉપયોગ કરવો. સવારે તથા સાંજે માતાજીનું પૂજન કરવું. રાત્રે જમીન ઉપર સુવું-પલંગ ઉપર સુવું નહિં અને દિવસે સુવું નહિં. નવરાત્રીમાં માતાજીનું પૂજન હવન કરવો. અને બ્રહ્મ ભોજન કરાવવું. નવરાત્રી દરમ્યાન-સત્ય, શૌચ અને બ્રહ્મચર્યનું પાલન કરવું. મનને કામ, ક્રોધ, લોભ, મદ અને અહંકારથી મુક્ત રાખવું. મનની શુદ્ધિ ઉપાસના દરમ્યાન આવશ્યક છે. જ્યોતિષી જીગર પંડ્યા તરફથી આપને અને આપના પરિવારને નવરાત્રી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ આશિષ જય અંબે.
આલેખન:જ્યોતીષાચાર્ય જીગર.એચ.પંડ્યા:ગોલ્ડ મેડાલીસ્ટ