કૃષિ રાહત પેકેજના સંદર્ભમાં  વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવતા MLA:વિક્રમ માડમ

શું આપ્યો કૃષિમંત્રી એ જવાબ જાણો

કૃષિ રાહત પેકેજના સંદર્ભમાં  વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવતા MLA:વિક્રમ માડમ
file image

Mysamachar.in-ગાંધીનગર

દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં કૃષિ રાહત પેકેજ મંજુર કરવા સબંધમાં ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભાના સત્ર દરમ્યાન પ્રશ્નો ઉઠાવી જાણવા માંગેલ હતું કે, ખરીફ 2020 ઓગષ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી, થયેલ પાક નુકશાન અન્વયે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે જે અન્વયે 33 ટકા કે તેથી વધુ નુકશાન હોય તેવા ખાતેદાર ખેડુતને પ્રતિ હેકટર રૂા. 10,000/- ની સહાય ચુકવવાની જોગવાઈ કરવામાં આવેલી છે તે હકીકત સાચી છે?

જો હા, તો તા. 31/01/2021ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અસરગ્રસ્ત ખાતેદાર ખેડુતોને રૂા. 10,000/- ને બદલે રૂા. 4800/- ચુકવવામાં આવ્યા છે, તે હકીકતથી સરકાર વાકેફ છે ? જો ઉપરની બાબતે સરકાર વાકેફ હોય તો " તેનાં શા કારણો છે અને આ તફાવતની રકમ અસરગ્રસ્ત ખાતેદાર ખેડુતોને કયાં સુધીમાં ચુકવવામાં આવનાર છે?"

ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના પ્રત્યુતરમાં કૃષિમંત્રી દ્વારા સંમતિ “હા” માં જણાવવામાં આવેલ છે. વિશેષમાં પ્રશ્ન- 2(બે)ના જવાબમાં જણાવવામાં આવેલ છે કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત તા. 31/01/2021ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મંજુર થયેલ ચુકવવાપાત્ર ખેડુતોની અરજીઓને જોગવાઈ અનુસાર મહતમ બે હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂા. 10,000/-ની સહાય મંજુર કરેલ છે. જે પૈકી રૂા. 6800/- પ્રતિ હેકટર SDRF બજેટ હેડ અને રૂા. 3200/- પ્રતિ હેક્ટર રાજ્ય બજેટ હેડ એમ બે અલગ અલગ બજેટ હેડમાંથી ચુકવવામાં આવી રહી છે.

મંજુર કરેલ રૂા. 10,000/- પ્રતિ હેકટર સહાય પૈકી SDRF બજેટ હેડ હેઠળ રૂા. 6800/- પ્રતિ હેકટર અને રાજ્ય બજેટ હેડ હેઠળ રૂા. 3200/- પ્રતિ હેકટર મુજબ ચુકવવામાં આવે છે. SDRF અને રાજ્ય બજેટ બંને સદરમાંથી અલગ -અલગ બીલ બનાવી સહાય ચુકવવામાં આવે છે. આ પ્રક્રિયા ઓનલાઈન હોય, સહાયની રકમ લાભાર્થીના ખાતામાં અલગ-અલગ સમયે જમા થવાની શક્યતા રહેતી હોય, તફાવત આવી શકે છે. આવી તફાવતની ૨કમ ખેડુતોને "શકય તેટલી વહેલા ચુકવવામાં આવશે " તેમ ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ પ્રશ્નના જવાબ કૃષિમંત્રી એ આપ્યા હતા.