Mysamachar.in-જામનગર:
વિધાનસભામાં વિક્રમ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તા.31/12/2021 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષવાર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાંથી જિલ્લાવાર ગેરકાયદેસર ડ્રગ્સનો કેટલો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો? તથા ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી અટકાવવા શા પગલા લેવામાં આવ્યા. અને ઉક્ત સ્થિતિએ વર્ષવાર કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.? ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ગૃહ મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.01/01/2020 થી તા.31/12/2020 સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (9.81)કિલોગ્રામ, ચરસ (6.732)કિલોગ્રામ પકડાયા હતા. જયારે જામનગર જિલ્લામાં તા01/01/2020 થી તા. 31/12/2020 સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (5.550 )કિલોગ્રામ, મહેડોન (26.85)મીલીગ્રામ ડ્રગ્સનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. એસ.ઓ.જી. શાખાએ સખત પેટ્રોલીંગ રાખી બાતમીદારો મારફતે અને પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ એસ.ઓ.જી. કર્મચારી દ્વારા માહિતી મેળવી આવા ગુના શોધી કાઢવા સુચના કરવામાં આવે છે અને મરીન પોલીસ સ્ટેશન દ્વારા દરિયાઈ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઈસમોને ખાનગી બાતમીદારોથી માહિતી મેળવી તેઓની પ્રવૃતિ પર નજર રાખવા સ્ટાફના માણસોને સુચના કરવામાં આવેલ છે અને જો કોઈ ડ્રગ્સનું વેચાણ કરતા કે હેરાફેરી કરવા વાળા ઈસમો મળી આવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 31 ઈસમોની ઘરપકડ કરવામાં આવી છે અને 1 ઇસમની ધરપકડ કરવાની બાકી છે. જયારે જામનગર જિલ્લામાં કુલ 44 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને 06 ઈસમની ધરપકડ કરવાની બાકી છે.