Mysamachar.in:જામનગર
જામનગર જી. જી. હોસ્પીટલમાં છેલ્લા કેટલાક સમયથી સીકયુરીટી ગાર્ડની દાદાગીરી વધી રહી છે, અને મજબુરીને વશ થઈને આવતા દર્દીઓ અને તેના સબંધીઓ સાથે કોઈ ખુંખાર ગુન્હેગાર જેવું વર્તન કરવાના મામલે પૂર્વ કોર્પોરેટર દ્વારા કલેકટરથી માંડીને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે, આ રજુઆતમાં સિક્યુરિટી તરીકે ફરજા બજાવતા ગાર્ડ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા એકસમેન આવનારા દર્દીઓ અને તેના સગાઓ સાથે જોહુકમી, ગેરવર્તણુંક અને દાદાગીરી કરતા જોવા મળે છે. આ અંગે રજૂઆતકર્તા પૂર્વ કોર્પોરેટર હુસેના સંધારએ જણાવ્યું કે સામાન્ય બાબતમાં સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડી ઉગ્ર થઈ જાય છે. અને આઠ-દશ એક્સમેન ગાર્ડ ભેગા થઈ સામેવાળા લોકોને ગેરશબ્દો બોલી મારપીટ કરે છે.
જીજી હોસ્પીટલ કોઈ તિહાડ જેલ નથી. અને અહિં આવતા દર્દીઓ અને તેના સગાઓ કોઈ ખુંખાર આતંકવાદી કે ગુન્હેગાર નથી. કે જે તેમની સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં જે પરીસ્થિતિ હોસ્પીટલમાં જોવા મળી રહી છે તે બતાવે છે કે અહિંના વ્યવસ્થાપકો દ્વારા આ હોસ્પીટલને તિહાડ જેલ બનાવી દીધેલ છે. શું .?હોસ્પીટલમાં એકસમેન ગાર્ડની જરૂર છે ? આ અંગેની જરૂરીયાત અને માંગણી કરનાર અધિકારીઓ દ્વારા કયા કારણોસર આ એકસમેન સીકયુરીટી ગાર્ડની માગણી કરેલ છે.આ રજુઆતમાં વધુમાં જણાવ્યાનુસાર જી. જી. હોસ્પીટલ એવી કોઈ સંવેદનશીલ કે મહત્વપુર્ણ જગ્યા નથી જયાં એકસમેન ગાર્ડની જરૂર પડે. અહિં આવનારા દર્દીઓ અને તેના સગાઓ મજબુર, સામાન્ય, લાચાર કે ગરીબ પરીવારના હોય છે જેને ઝગડો કરવો કે માથાકુટ કરવી કોઈ રીતે પોસાય તેમ હોતી નથી અને જે ઝગડો કરવાની લાયકાત અને પૈસો ધરાવે છે તેમને આ એકસમેન ગાર્ડ રોકી શકે તેમ નથી. તેઓ ફક્ત અહિં આવતા મજબુર, લાચાર અને ગરીબ પરીવારના દર્દીઓ અને તેમના સગાઓ સામે દાદાગીરી કરી શકે છે.આમ આવી દાદાગીરી બંધ કરાવવા અને દર્દીઓ અને તેના સબંધીઓ સાથે યોગ્ય વ્યવહાર થાય તેવી માગ પણ કરવામાં આવી છે.
-હોસ્પિટલની જાળવણી જરૂરી પણ આવું વર્તન કેટલું યોગ્ય.??
જ્યારથી જીજી હોસ્પિટલની નવી ઈમારત બની ત્યારથી નવી સિક્યુરિટી અમલમાં આવી છે, જેનો હેતુ વ્યવસ્થા જળવાઈ રહે તે યોગ્ય છે પણ સિક્યુરિટીની રીતસરની આ દાદાગીરી કોઈ કાળે ના ચલાવી લેવાય, કારણ કે આ પહેલી ફરિયાદ નથી અગાઉ પણ કેટલાય લોકો લેખિત અને મૌખિક ફરિયાદ કરી ચુક્યા છે છતાં હોસ્પિટલ તંત્ર આંખ મીચામણા કરે છે માટે જ વધુ એક વખત આ રજૂઆત થઇ હોય તેમ લાગે છે.