Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજચોરી કરનાર તત્વો બેફામ બન્યા છે, થોડા દિવસો પૂર્વે જ કાલાવડમાં પથ્થરની ખાણમાં લંગરિયા નાખીને થઇ રહેલ વીજચોરી સામે આવી હતી ત્યાં વધુ એક વખત વડોદરા વીજ વિજિલન્સે કાલાવડમાં ત્રાટકી અને ઓઈલમિલમાંથી મોટી વીજચોરી ઝડપી પાડી છે,
જી.યુ.વી.એન.એલ. વડોદરા. તથા પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમજ જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી- કર્મચારીઓ તથા જી.યુ.વી.એન.એલ.વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફતે વીજચોરી પકડવા તથા ડામવા માટે ચોક્કસ બાતમીના આધારે ગતરોજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે સધન ચેકિંગ દરમિયાન મેં.રાજદીપ ઓઇલ મિલમાં એલ.ટી.પોલ પરથી ડાયરેક્ટ જોડાણ લઈ, મીટર બાયપાસ કરી, બિન-અધિકૃત વીજ વપરાશ માલુમ પડતાં વીજ ચોરીનો કેસ નોંધી, અંદાજીત રૂપિયા 31 લાખની વીજચોરી ઝડપી છે. તથા આસામી વિરુદ્ધ વીજ ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આ રીતે મોટા ઔદ્યોગિક જોડાણો, આંતરિયાળ વિસ્તારમાં આવેલી ખાણો, તથા હાઇવે પરની હોટલો જેવા મોટા એકમોમાં આ પ્રકારની વીજચેકિંગની ઝુંબેશ ચાલુ રહેશે.