Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
અત્યારસુધી મેટ્રોસિટીમાથી ખુબ મોંઘુ માનવામાં આવતું MD ડ્રગ્સ ઝડપાતું હતું, પરંતુ હવે તો નાના એવા તાલુકાઓમાંથી પણ આવું મોંઘુદાટ ડ્રગ્સ ઝડપાય ત્યારે શંકા એવી થાય કે અહી કોણ આવો નશો કરતુ હશે..? દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના ત્રણ પાટિયા રોડ ઉપર આવેલા એક બસ સ્ટેન્ડ પાસે રહેલા મૂળ ભાણવડના રહીશ અને હાલ મહારાષ્ટ્રના મુંબઈના મીરા રોડ ખાતે રહેતા તથા કાપડનો ધંધો કરતાં મહંમદહુશેન અલી રિંડાણી નામના 54 વર્ષના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.
એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં પોપટ બનેલા આરોપી મહમદહુશેનએ પોતાની પાસે રહેલું એમ.ડી. ડ્રગ્સ પોલીસે કાઢી આપતાં પોલીસે 124.5 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસે 12,45,000 ની કિંમતના એમ.ડી. ડ્રગ્સ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન રૂપિયા 750 રોકડા, ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની નાની-મોટી કોથળી, પાન મસાલા, વિગેરે મળી કુલ રૂપિયા 12 લાખ 51 હજાર 358 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પ્રકરણમાં થાણે વિસ્તારના નાલાસોપારાના રહીશ મુન્નાભાઈના માણસ સંતોષ તથા જામનગરના રહીશ અને ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા સિરાજ નામના બે શખ્સોના નામ પણ મદદગારી સબબ ખુલ્યા છે. જેને હાલ પોલીસે ફરાર ગણી આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આ શખ્સની વધુ તપાસ અર્થે આરોપીનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. જે સંદર્ભે ભાણવડ પોલીસે એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.ડી. પરમારની ફરિયાદ પરથી એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.