વરસાદમાં પણ મેકઅપ ખરાબ નહીં થાય, અજમાવી જુઓ આ મોન્સુન બ્યુટી ટીપ્સ

ચોમાસું સીઝનમાં સૌથી વધારે ચામડીની કેર કરવી પડે 

વરસાદમાં પણ મેકઅપ ખરાબ નહીં થાય, અજમાવી જુઓ આ મોન્સુન બ્યુટી ટીપ્સ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-હેલ્થ ડેસ્ક:

ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. આ ભેજવાળી સીઝનમાં ન તો બોડી સ્પ્રેનો વધુ પડતો ઉપયોગ કરી શકાય કે ન તો કોઈ ક્રિમ લગાવી શકાય. તેમ છતાં લગ્ન પ્રસંગે કે ઓફિસની પાર્ટીમાં જવાનું થાય અને વરસાદ હોય તો એને અનુરૂપ મેકઅપ કરી શકાય છે. આ ઉપરાંત ચોમાસું સીઝનમાં સૌથી વધારે ચામડીની કેર કરવી પડે છે. ખાસ કરીને જેની ઓઈલી સ્કીન હોય તો ઘણા પાઉડર ટ્રાય કરતા પણ ડરે છે. 

-વોટર બેઝ મોઈશ્ચરાઈઝર
મોનસુન સીઝનમાં ઓઈલ બેઝ મોશ્ચરાઈઝરના બદલે હંમેશા વોટર બેઝ મોઈશ્ચરાઈઝર લગાવી શકાય. પણ આ માટે તે તમારી સ્કિનને અનુરૂપ હોવું જોઈએ. ખોટું રીએક્શન આવે તો જોખમ ન લેવું. કોઈ પણ એવા ક્રિમ કે પેકમાં ઓઈલ હોય તો ચહેરો વધારે ચિપચીપો થઈ રહેશે. એટલા માટે આવી સીઝનમાં માત્ર ટચઅપની જરૂર હોય છે.

-પાઉડર
બને ત્યાં સુધી મોનસુન સીઝનમાં પાઉડરનો બને એટલો ઓછો ઉપયોગ કરો. ફાઉન્ડેશન બને ત્યાં સુધી ઓછું લગાવો. ઓછા મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે રેગ્યુલર પાઉડરનો ઉપયોગ કરો. અથવા કોમ્પેક લગાવી દો. એનાથી ચામડી ઓઈલી પણ નહીં દેખાય અને ઝડપથી સુકાશે પણ નહીં. હા, લાઈટિંગ વાળી જગ્યા હોય કે નાઈટ પાર્ટી હોય ત્યારે થોડો ડાર્ક મેકઅપ સારો રહે છે. પણ જો વરસાદમાં જવાનું થાય તો થોડો મેકઅપ ઓછો કરી સાદો પાઉડર લગાવી દો. ફેસ પણ ગ્લો કરશે અને ખરાબ પણ નહીં લાગે.

-મેટ લીપસ્ટીક
વરસાદની સીઝનમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે કે લીપસ્ટીક કરવી કે નહીં. કારણ કે, પાણી અને પરસેવો ભેગો થાય તો મુશ્કેલી થાય. લીપસ્ટીક ફેલાઈ જાય છે. આવી સીઝનમાં મેટ લીપસ્ટીકનો ઉપયોગ કરી જોવો. ચહેરો સારો લાગશે અને પાણીની સમસ્યા પણ નહીં નડે. આ ઉપરાંત આઈ લાઈનરનો ઉપયોગ કરતા હોવ તો એને થોડો ઓછો કરો. કારણ કે આંખમાં ક્યારેક પાણી જવાથી એના કેમિકલ આંખને નુકસાન કરી શકે છે.

-ઓઈલી સ્કીન હોય તો
જો તમારી સ્કીન ઓઈલી હોય, નાક અને કપાળ પર ચિકાસ લાગતી હોય તો વારંવાર મોઢું ધોતા રહો. મેકઅપ ન કરવો હોય તો પણ થોડી થોડી વારે મોઢું લુસી લેવાથી કે ધોઈ લેવાથી મોઢા પર ફ્રેશનેસ કાયમ રહેશે. ખાસ તો પલડીને આવ્યા હો ત્યારે સાબુથી તરત મોઢું ન ધોવો. 30 મિનિટ પછી ફેસવોશ કે સાબુથી ધોઈ દો. જેના કારણે ચામડી પર ચિકાસ કે ભેજ નહીં દેખાય.