રાજકોટ જીવનનગરમાં મહાશિવરાત્રીની ભાવપૂર્વ કરવામાં આવી ઉજવણી

સમૂહ ફરાળમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

રાજકોટ જીવનનગરમાં મહાશિવરાત્રીની ભાવપૂર્વ કરવામાં આવી ઉજવણી

Mysamachar.in-રાજકોટ

રાજકોટ જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે મહાશિવરાત્રિ પર્વની ભાવપૂર્વ ઉજવણી સાથે સમાપન થયું હતું. સામુહિક ફરાળમાં એક હજાર પચાસ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. શહેર, પ્રદેશ કક્ષાના ભા.જ.પ. ના હોદ્દેદારોનું અદકેરૂ સન્માન થયું હતું. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ત્રિપ્રવર મહાઆરતી, રૂદ્રાભિષેક, પૂજન, કિર્તન, અર્ચન, ભક્તિભાવથી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. રાત્રિના 12 કલાકે મહાઆરતી, દિપમાલામાં હાજરી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. સૌ કોઈએ પોતાની આસ્થા પ્રમાણે અભિષેક, જલાભિષેક પૂજન કર્યું હતું. મંદિરમાં ભક્તો ધર્મમય બન્યા હતા.

સામુહિક ફરાળમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પર, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ સોસાયટી, શિવપરા, રાવલનગરના રહીશોએ ભાગ લીધો હતો. આ વર્ષે એક હજારથી વધુ રહીશોએ ફરાળમાં ભાગ લીધો હતો. મહિલા મંડળ અને મંદિરની નવી ટીમે આબેહુબ કામગીરી શણગાર, રોશની, વ્યવસ્થા બેનમુન સાબિત થઈ હતી. ભા.જ.પ. પ્રદેશના મંત્રી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, શહેર મંત્રી માધવ દવે, નવા ચૂંટાયેલા નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્વરીબેન ડોડીયા, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજાનું રહીશો, સમિતિના હોદ્દેદારો, મહિલા મંડળે અદકેરૂ સન્માન કરી આકર્ષણ ઉભું કર્યું હતું.

પ્રદેશ મંત્રી, પૂર્વ મેયર બીનાબેન આચાર્યે જણાવ્યું કે આ વિસ્તારમાં હાજરી આપવાનું આગેવાનોને મન થાય છે. નવાંગતુક વિચારો, સરકારના કાર્યક્રમોમાં ભાગીદાર થાય છે. સમિતિના સકારાત્મક વલણની કદર કરી હતી. નવા ચૂંટાયેલા નગરસેવકો વતી નિરૂભા વાઘેલાએ પ્રતિભાવમાં જણાવ્યું કે રહીશોના પ્રશ્નો ઉકેલવા હંમેશા તત્પર રહીશું. જયંત પંડયાની સમાજ સુધારણા સાથે વર્ષોથી સામાજિક, સેવાકીય, રાષ્ટ્રીય સેવા પ્રવૃતિથી સૌ કોઈ અભિભૂત છે. સમિતિ આ વિસ્તારમાં 40 વર્ષથી રહીશોની એકતા માટે કામ કરે છે તે માટે અભિનંદન પાઠવું છું. બધાના સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયાએ સમિતિની કામગીરી સાથે એકતાના વખાણ કર્યા હતા.

આ તકે પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્નાએ હાજરી આપી શિવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી ફરાળની વ્યવસ્થા જોઈ પ્રભાવિત થયા હતા. મંદિર સમિતિની નવી ટીમના કેતનભાઈ મકવાણા, વિનુભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ વ્યાસ, સુનિતાબેન વ્યાસની ઉત્કૃષ્ઠ કામગીરીના કારણે ફરાળ, શણગાર, રોશની, મહાઆરતી, દિપમાલા, ભજન-ધૂન, કિર્તન વિગેરેમાં ચાર ચાંદ લાગી ગયા હતા. સામુહિક એકતાના દર્શન થયા હતા. પ્રતાપભાઈ વાઘેલા, અશોકભાઈ વાઘેલાએ પરિણામલક્ષી કામગીરી કરી હતી.