લકઝરી બસના ચાલકે ગુમાવ્યો કાબુ, 5 વાહનોને ટક્કર મારી, 2 બાળકોના મોત

પાંચ વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દીધો

લકઝરી બસના ચાલકે ગુમાવ્યો કાબુ, 5 વાહનોને ટક્કર મારી, 2 બાળકોના મોત

Mysamachar.in-વડોદરા 

રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે, એવામાં વડોદરા જિલ્લાના પાદરા ગામ પાસે મોડી સાંજે લક્ઝરી બસે બે બાળકોને અડફેટે લેતા બંનેના કરુણ મોત નીપજ્યાં છે. જંબુસરથી પાદરા તરફ આવતી લક્ઝરી બસના ચાલકે ડ્રાઇવિંગ પર કાબૂ ગુમાવતા બસ બેકાબૂ બની હતી. જેને કારણે રસ્તે જતા શ્રમજીવી પરિવારના બે માસૂમ બાળકો બસની અડફેટે આવી ગયા હતા. આ ઉપરાંત આ બસે રોડ ઉપર જુના કપડાં વેચતી મહિલાને પણ અડફેટમાં લીધી હતી.

ત્યારબાદ બસે એક આઇસર ટેમ્પો, બે કાર અને બે મોટર સાઇકલ સહિત પાંચ વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. ગાંડીતૂર બનેલી લક્ઝરી બસથી બચવા માટે લોકોએ રોડ ઉપર દોડધામ મચાવી મૂકી હતી. ડ્રાઇવિંગ પર કાબૂ ગુમાવતા બસ ગાંડીતૂર બની હતી અને બસે પ્રથમ રસ્તા ઉપર પાર્ક કરેલા આઇસર ટેમ્પોને અડફેટે લીધો હતો. તે બાદ બસ પાણીપૂરી ખાઇને રોડ ક્રોસ કરી પોતાના ઘર તરફ જતા હતા બે માસુમ ભાઇઓ વિશાલ અને ગોલુને બસે અડફેટે લેતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે પાદરા પોલીસે બે બાળકોને અકસ્માતમાં ગુમાવનાર રમેશભાઇ સોનેનોની ફરિયાદના આધારે લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.