Mysamachar.in-પાટણ
સિદ્ધપુરના દેથળી ગામ નજીક આવેલી એક સોસાયટીના મકાનમાં એલસીબીની ટીમે છાપો મારી ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા સાથે કનેક્શન કરી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોને પકડી પાડ્યા હતા. અમેરિકામાં રહેતા અને લોન માટે માગણી કરી હોય તેવા લોકોને વાતોમાં ભોળવી ગિફ્ટકાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે, દેથળી ગામથી તાવડીયા જવાના રસ્તા ઉપર આવેલી પેરેડાઇઝ વિલા સોસાયટીના મકાન નંબર 41 ભાડે રાખી માણસોની મદદથી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવતા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામના મેહુલપરમાર અને દિનેશ રાવળને છાપો મારી દબોચી લીધા હતા.
આ શખ્સની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે તેઓ અમેરિકામાં ચાલતી કેશ એડવાન્સ નામની કંપનીના નામે અમેરિકા ખાતેના લોન એપ્લાય કરતાં ગ્રાહકોનું લિસ્ટ મેળવી કોમ્પ્યુટરો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુગલવોઈસ સોફ્ટવેર અને બ્રાઇસેક વીપીએન અને ગુગલ ક્રોમ બ્રાઉઝર જીમેલ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. અમેરિકાનો મોબાઇલ નંબર ડિસ્પ્લે ઉપર જનરેટ કરી તેમને લાલચ આપી લોન માટે સમજાવી તેમની પાસેથી સિક્યુરિટી ડિપોઝિટ પેટે ગિફ્ટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર મેળવી અમેરિકામાં રહેતા લોકોને લાલચ આપી છેતરપિંડી કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોલ સેન્ટર ચલાવતા હતા.
કોલ સેન્ટર પરથી પોલીસે રૂ. 10,000ના બે મોબાઇલ, રૂ. 20,000નુ એક લેપટોપ, રૂ. 26500ના પાંચ કમ્પ્યુટર સેટ, રૂ.4000ના બે વાઈફાઈ, સ્પાઇડર સ્વીચ બોર્ડ મળી કુલ રૂ. 60,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય ત્રણ શખ્સો મળી કુલ પાંચ શખ્સો સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સોની પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અમેરિકામાં લોન માટે માગણી કરી હોય તેવા 2000 લોકોની યાદી અમદાવાદના શોયેબશેખ પાસેથી મેહુલ પરમારે રૂ. 85990માં ખરીદી હતી 1 જૂનથી તેમણે રિસોર્ટ જેવી આલીશાન સોસાયટીમાં ભાડેથી મકાન રાખી રહેવા માટે આવ્યા હતા.