માસી અને ભાણેજ ભાગ્યા બાદ અભયમ ટીમની મહેનત રંગ લાવી

બંને મિત્રતાથી આગળ વધી પ્રેમમાં પડી લગ્ન કરવા તૈયાર થઈ ગયા.

માસી અને ભાણેજ ભાગ્યા બાદ અભયમ ટીમની મહેનત રંગ લાવી
symbolice image

Mysamachar.in-પંચમહાલ

થોડા સમય પૂર્વે સુરતમાં વેવાઈ વેવાણના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી દીધી હતી, જે બાદ નીલીયા અને ભાભી વચ્ચેની ઓડિયો ક્લીપે ગામ ગાંડું કર્યું હતું, ત્યાં જ વધુ એક વખત સબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે, આજના સમયમાં પોતાની એકલતા અને શારીરિક જરૂરિયાતને સંતોષવા માટે લોકો કેટલી હદ સુધી જતાં રેહતા હોય છે તેનું ભાન રહેતું હોતું નથી. આ કારણે જે તે પુરુષ અથવા સ્ત્રીના સ્વજનોને સમાજમાં નીચું જોવાનું થતું હોય છે. એવો જ એક લાંછનરૂપ કિસ્સો ગોધરાના એક ગામમાં માસી અને ભાણા વચ્ચેના અનૈતિક સંબંધનો સામે આવ્યો છે.જેને સમગ્ર પંથકમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે,

ત્યારે પંચમહાલ જીલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ભારે હચમચાવી દે તેવો છે, જ્યાં એક બહેન વિધવા થતાં પોતાના દીકરાને લઈ પિયરમાં રહેવા આવ્યાં હતાં. વિધવા બેનની પિતરાઈ બહેન પણ પિયરમાં જ રહેતાં હતાં. વિધવા બહેનના પુત્ર પોતાની માસી સાથે સંપર્કમા આવતા મિત્રતા વધી હતી. માસી અને ભાણા વચ્ચેની મિત્રતા માત્ર વાત કરવા પૂરતી સીમિત રહી ન હતી. પ્રેમાવેશમાં માસી ભાણો લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા અને લગ્ન કરવાના ઇરાદે બંને ઘર છોડી નીકળી ગયા હતા.

આ સંબધ તેઓના પરિવારને મંજૂર નહીં હોવાથી બંનેને ભારે જહેમત બાદ શોધી કાઢી ઘરે લાવવામાં આવ્યાં હતાં. ઘરે પરત લાવ્યા બાદ તેમને માસી અને ભાણાનો સંબધ થયાં હોવાથી આ લગ્ન સંબધ શક્ય નથી એવી સમજાવટ પણ કરવામાં આવી હતી,. છતાં બંને પોતાની જીદ ઉપર અડગ રહ્યા હતા. જેથી વિધવા માતાએ પોતાના પુત્ર અને પોતાની બહેનને સમજાવવા માટે આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી

જેના આધારે ગોધરા અભયમની રેસ્ક્યુ ટીમે દોડી જઇ માસી અને ભાણા બંનેનું કાઉન્સિલિંગ કરી બંને વચ્ચેના સંબધનું ભાન કરાવ્યું હતું. ટીમે પ્રેમાવેશમાં આગળ વધી રહેલા માસી અને ભાણાને આગામી સમયમાં ઉભી થનારી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. અંતે માસી અને ભાણાને પોતાની ભૂલ સમજાઇ હતી અને અહેસાસ થતા બંનેએ પોતાના સબંધ અને મિત્રતા પુરી કરી હતી.અને આ મામલાનો સુખદ અંત આવ્યો હતો.