જામનગરમાં વેપારીએ કમિશનની લાલચમાં ગુમાવ્યા ૬૧ લાખ

જૂની નોટો બદલવાનો મામલો

જામનગરમાં વેપારીએ કમિશનની લાલચમાં ગુમાવ્યા ૬૧ લાખ
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

લાલચ બુરી બલા છે, એવો જ એક કિસ્સો જામનગરમાં વેપારી સાથે બન્યો હોય તેમ દોઢ કરોડની જુની ચલણી નોટો બદલવા માટે કમિશન પેટે અંદાજે ૩૦ લાખ મળવાની લાલચમાં ૬૧ લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ વેપારી બનતા મહિલા સહિત ૭ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે,

જામનગરમાં સામે આવેલા બનાવની વિગત એમ છે કે કાલાવડ નાકા બહાર ફાલુદાની દુકાન ધરાવતા મેમણ વેપારી હુસેનભાઇ રજાકભાઈ ગોકુલનગરમાં રહેતા હરીશ ગીરધરભાઈ નંદાના પરિચયમાં હતા તેવામાં હરીશભાઇએ વેપારી હુસેન ભાઈને એક દિવસ લાલચ આપીને જણાવ્યું હતું કે, એક પાર્ટી પાસે અંદાજે ૧.૫૦ કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો પડેલ છે,તેના બદલામાં અસલી ૬૧ લાખ રૂપિયા આપણે  આપવાના છે અને આ જૂની ચલણી નોટો અન્ય એક પાર્ટીને આપવાથી આપણને તે અંદાજે અસલી એક કરોડ રૂપિયા આપશે વેપારીને આવી લાલચ આપીને ૬૧ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવ્યુ હતું,

દરમિયાન હરીશભાઈની લાલચમાં આવીને વેપારી હુસેનભાઈ ૬૧,૭૦,00૦ ગોકુલનગર આપવા ગયા બાદ હરીશભાઈએ જૂની ચલણી નોટો બદલવા માટે બહારગામ જવું પડશે તેમ કહીને હુસેનભાઈનું કારમાં અપહરણ કરીને ચોટીલા, રાજકોટ, જુનાગઢ વિવિધ સ્થળોએ લઇ જઇને હુસેનભાઈ પાસેથી ૬૧,૭૦,૦૦૦ લઈને પરત જામનગર લાવીને મુક્ત કરવામાં આવ્યા હતા,

આમ જામનગર આવ્યા બાદ મેમણ વેપારી હુસેનભાઈ પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાથી પોલીસમાં ફરિયાદ કરવા માટે દોડી ગયા હતા અને જામનગરના હરીશ નંદા, ચિરાગ નંદા, જૂનાગઢના બીલખાનો સલીમ, મુન્નો ઈબ્રાહીમ, બે અજાણી મહિલા અને કાર ચાલક સહીત સાત સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે IPC કલમ ૪૦૬,૪૨૦,૩૬૫,૧૨૦(બી) હેઠળ ગુન્હો નોંધીને ચીટર ટોળકીને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.