મનપાને હોર્ડિગ્સ બોર્ડની આવકમાં વર્ષોથી ફટકો પડ્યો, શાશકો પણ ચુપ, તો જવાબદાર કોણ.?

એસ્ટેટ વિભાગની વધુ એક લાલિયાવાડી 

મનપાને હોર્ડિગ્સ બોર્ડની આવકમાં વર્ષોથી ફટકો પડ્યો, શાશકો પણ ચુપ, તો જવાબદાર કોણ.?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામાં લાલિયાવાડી ચાલે છે અને ચલાવી લેવા પાછળના કેટલાકના હર્યાભર્યા કારણો પણ છે, જે રીતે વર્ષોથી રેકડી અને પથારાવાળા માટે ભો ભાડુ વસુલવાના ઇજારાનો ઠરાવ થાય પણ અમલવારી થતી નથી કે થવા દેવામાં આવતી નથી તે રીતે આવું હોર્ડિંગ્સ બોર્ડમાં પણ હશે તેવા સવાલો ઉઠે છે, મનપાને વાર્ષિક કરોડોની આવક કરી આપતો મહત્વનો સ્ત્રોત એટલે જાહેરાતના બોર્ડ... આ જાહેરાતના અલગ અલગ ઝોનના બોર્ડ માટે માટે વર્ષોથી અધિકારીઓની અણઆવડત અને મનસુફી જવાબદાર હોય કે કેમ..? પછી અન્ય કોઇ કારણ. આવી કાર્યવાહી જે ગતિએ થવી જોઈએ તે થતી નથી, તેના માટે પદાધિકારીઓ પણ મનપાના આર્થિક હિતને લગત બાબતમાં ખોખારો ખાઈને ઉઠાવી શકતા નથી શા માટે તેનો જવાબ તો હાલના અને તત્કાલીન પદાધિકારીઓ જ આપી શકે...

જામનગર મનપાના આધારભૂત સુત્રો કહે છે કે વર્ષ 2016 થી મનપાની એસ્ટેટ શાખા દ્વારા થતી હોર્ડિંગ્સ બોર્ડની પ્રક્રિયામાં કઈક રંધાઈ રહ્યું છે પરિણામે મનપાને જે વાર્ષિક જાહેર ખબરની એજન્સીઓ દ્વારા બોર્ડ લગાવવાની કરોડોની આવકનો ફટકો પડી રહ્યો છે. એવામાં થોડાસમય પૂર્વે 2 અને ગત સ્ટેન્ડિંગ કમિટીમાં 1 એમ મળી કુલ 5 ઝોનમાંથી 3 ઝોનના વર્ષો બાદ ટેન્ડર મંજુર થયા છે.હવે જે બે ઝોનના ટેન્ડર ફાઈનલ થયા તેના કારણે મનપાને અડધા કરોડથી વધુની આવક થઇ છે તો આટલા વર્ષોથી આ આવક બંધ રહી તેના માટે કોણ જવાબદાર..??

વધુમાં ખાનગી ઇમારતો, એલઈડી સ્ક્રીન, બીલ બોર્ડ માટે મંજુરીની ફાઈલો એસ્ટેટ વિભાગમાં પડી છે અને પાર્ટીઓ રસ ધરાવે છે છતાં મંજુરી માટે અરજદારો તળિયા ઘસીને થાકી જાય છે છતાં મંજુરી મળતી ના હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળે છે.ગત બજેટ બોર્ડમાં પણ આ અંગે પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ પણ આ મામલો ઉઠાવીને અધિકારીઓને સવાલોના ઘેરામાં લાવી દીધા હતા જો કે રાબેતામુજબ ગોળ ગોળ જવાબ સિવાય કશું મળ્યું નહોતું.