Mysamachar.in-જામનગર:
સર્વજન હિતાયની પરંપરામાં ‘Mysamachar.in’ દ્વારા વધુ એક વખત તંત્રને ભરબજારે ઉતરડી લેવામાં આવ્યા પછી, શાસકપક્ષે મેદાનમાં ઉતરવાની હિંમત દેખાડતાં JMC માં વીજળી ત્રાટકી અને ભૂગર્ભગટર શાખાને જબરો આંચકો અનુભવવો પડ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના ભ્રષ્ટ હોવાની વાત દાયકાઓથી જાણીતી છે.કરોડો રૂપિયાનું આંધણ કરતી આ શાખા નગરજનોને ટટળાવે છે ! શાસકપક્ષના કોર્પોરેટર અને ખુદ પદાધિકારીને પણ ભાજીમૂળો ગણે છે ! અને, ભૂગર્ભ શાખાનાં એક અધિકારી સમગ્ર કોર્પોરેશનનાં બોસ એવાં કમિશનરનો ફોન રિસિવ કરવાની પણ કાળજી દાખવતાં નથી !
આ બધી જ બાબતો ‘ ‘Mysamachar.in’ નાં બે ધગધગતા એપિસોડ પછી બનતાં, આખરે આ શાખા પર વીજળી ત્રાટકતાં સમગ્ર કોર્પોરેશનમાં બધું જ હલી ગયું છે. અને, ભૂગર્ભ ગટર શાખાનાં મેન્ટેન્સ-ફરિયાદ વિભાગનાં અધિકારી જયેશ કાનાણીને કમિશનર વિજયકુમાર ખરાડીએ ત્રીસ દિવસ માટે ઘરે બેસાડી દીધાં છે. કમિશનરનાં આ આકરાં પગલાંને કારણે આખી મહાનગરપાલિકામાં સન્નાટો પથરાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘Mysamachar.in ‘ દ્વારા ભૂગર્ભ ગટર શાખાનું જડબેસલાક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગત્ 26/09 નાં રોજ પ્રથમ વાઢકાપ દરમિયાન અત્રે લખવામાં આવ્યું હતું કે, શહેરમાં ભૂગર્ભ ગટરો તંત્રનાં પાપે ઉભરાય છે ! અધિકારીઓ એમ જણાવતાં હતાં કે, લોકો ભૂગર્ભ ગટરમાં ગોદડાં સહિતની ચીજવસ્તુઓ ભરાવી દે છે ! એટલે ગટરો ઉભરાય છે.
ત્યારબાદ, ‘Mysamachar.in ‘ દ્વારા બીજો ધગધગતો એપિસોડ ગત્ 04/10 નાં દિને બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે, દાયકાઓથી લંગડાતી અને કરોડો રૂપિયા ઓહિયા કરી જનારી ભૂગર્ભ ગટર શાખા વિરૂદ્ધ નગરજનોની હજારો ફરિયાદોનો ઢગલો !!
‘Mysamachar.in ‘નાં આ બંને સ્ફોટક અહેવાલો પછી, મેદાનમાં દાવ લેવા ઉતરેલાં શાસકપક્ષના કોર્પોરેટર નિલેશ કગથરાએ ફટકાબાજી કરી. અને, ત્યારબાદ શાસકપક્ષના વાઈસ કેપ્ટન એટલે કે ખુદ ડેપ્યુટી મેયર તપન પરમારે મેદાનમાં આવી, ચોતરફ આક્રમક અને ધૂંઆધાર બેટીંગ કરતાં ભૂગર્ભ ગટર શાખાને ચક્કર આવી ગયા.
દરમિયાન, કાલે ગુરુવારે કમિશનરે કડક ભાષામાં પત્ર લખી આ શાખાનાં આ અધિકારીને ફરજિયાત રીતે, ગુરૂવારે સાંજ પછી જ, ત્રીસ દિવસ માટે ઘરે બેસાડી દેતાં અને આ અહેવાલો રાજ્યભરમાં ગૂંજતા સનસનાટી મચી ગઈ છે. હવે, સંભાવનાઓ એ પણ છે કે – શાસકપક્ષ આ મુદ્દે કોઈ ગંભીર વિચારણા હાથ ધરી શકે છે અને કંઈક નિર્ણય કરે એવું પણ બની શકે. આગામી દિવસોમાં આ ઘટનાક્રમ નજીકથી નિહાળવો રસપ્રદ બનશે, એટલું નક્કી.