ગુજરાતમાં વ્યાપમ કરતાં પણ મોટા ભરતી કૌભાંડનો આક્ષેપ

ધારસભ્ય વિક્રમ માડમે લખ્યો CMને પત્ર

ગુજરાતમાં વ્યાપમ કરતાં પણ મોટા ભરતી કૌભાંડનો આક્ષેપ
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

કોંગ્રેસ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયાના આક્ષેપ સાથે સીસીટીવી ફૂટેજ જાહેર કરતાં ફરી એકવાર સરકારનો પરીક્ષા વિભાગ શંકાના દાયરામાં આવ્યો છે. કોંગ્રેસના આક્ષેપ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને તાત્કાલિક પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી અને કેટલાક કેન્દ્રો પર ગેરરીતિ થયાનો સ્વીકાર કર્યો અને દાવો કર્યો કે તપાસ કરવામાં આવશે, પરંતુ જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમે મુખ્યમંત્રીને પત્ર લખી કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં તેઓએ જણાવ્યું કે ગેરરીતિ થયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે તો શું આ બધુ તંત્રની મીઠી નજર હેઠળ થયું છે ?

ધારાસભ્ય વિક્રમ માડમે આક્ષેપ કરતાં લખ્યું કે સરકાર સામેથી જ નક્સલી અને આતંકી બનાવે છે, જ્યારે પરીક્ષા બપોરના 12 વાગ્યે શરૂ થઇ અને 12:30 તો રાજ્યના તમામ સેન્ટરોમાં પરીક્ષાર્થીઓના મોબાઇલમાં પેપર આવી ગયાનું બહાર આવ્યું હતું. પરીક્ષાર્થીઓને મોબાઇલ સાથે નહીં રાખવાની સખત મનાઇ હોવા છતા પરીક્ષા ખંડમાં મોબાઇલથી પેપરની તમામ વિગતો આવતી-જતી હોય, આ મીઠી નજર કોની હોય ? સરકારની જ હોયને ?

ધારાસભ્યએ વધુમાં લખ્યું કે મુખ્યમંત્રી મોકળા મનની વાતો સાંભળે છે. તેમ રાત-દિવસ ઉજાગર કરીને મહેનત કરનારા વિદ્યાર્થીની પણ મોકળા મને વાતો સાંભળવી જોઇએ. આ ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટા ગોટાળા સાથેનું કૌભાંડ હોવાનું સંભળાઇ છે. માત્ર બે સેન્ટરોમાં ગરબડ થયાનું સ્વીકારવામાં આવ્યું છે, એટલે ગરબડ તો જરૂર થઇ છે. બે સેન્ટરોનાં જ વીડિયો પણ બતાવવામાં આવે છે. જ્યારે બાકીના સેન્ટરોનું શું થયું હશે ? લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેમાં ગરીબ અને મહેનત કરનારાઓ પણ હશે તો તેમના ભાવીનું શું ? આ બધા પરીક્ષાર્થીઓની વાત-રજૂઆત સરકારે સાંભળવી જોઇએ અને તેમને ન્યાય પણ મળવો જોઇએ.

જ્યાં સુધી આવા કૌભાંડો ખુલ્લા પાડશે નહીં અને કૌભાંડીઓને સખત સજા કરશે નહીં ત્યાં સુધી આવા કૌભાંડો ચાલુ જ રહેશે. આ બધી વિગતો પરથી સાબીત થાય છે કે સરકાર પરીક્ષા લેવા સક્ષમ જ નથી, કાંતો સરકારનો જ ભ્રષ્ટાચાર મુક્ત પરીક્ષા લેવાનો ઇરાદો જ નથી. આ કૌભાંડમાં ખુદ સરકારના જ ટોપના લોકો સંડોવાયેલા હોય તેવું સ્પષ્ટ થાય છે. આથી આ મશ્કરી રૂપ પરીક્ષા સરકારે રદ કરવી જોઇએ તેવી અમારી ભલામણ છે.