ઈમ્પેકટ ફી કાયદાને વડી અદાલતમાં કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો......

વડોદરાનાં અરજદાર કહે છે: કાયદાનો ભંગ કરનારાઓને રક્ષણ, કાયદાઓ પ્રત્યે માન ધરાવનારાઓ સાથે અન્યાય છે

ઈમ્પેકટ ફી કાયદાને વડી અદાલતમાં કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો......

Mysamachar.in:અમદાવાદ

ગુજરાતની વડી અદાલતમાં ઈમ્પેકટ ફી કાયદાને કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પાછલાં વર્ષોમાં આ ત્રીજી વખત ઈમ્પેકટ ફી કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદો આમ બેઝિકલી જૂઓ તો, કાયદાઓ, નિયમો અને જોગવાઈઓનો ભંગ કરનારાઓને રક્ષણ આપે છે ! અને તેથી ઘણાં લોકો આ કાયદા પાછળનો સરકારનો આશય હવે સમજી ચૂક્યા છે. વડોદરાનાં એક અરજદાર આ મામલો હાઈકોર્ટમાં ઢસડી ગયા છે. તેઓએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, કોઈ પણ કાયદાનો ભંગ કરનારાઓને રક્ષણ, કાયદાઓને માન આપનારાઓ પ્રત્યેનો અન્યાય લેખાવી શકાય. હાઈકોર્ટે આ અરજીના અનુસંધાને રાજ્ય સરકારને નોટિસ મોકલાવી છે.

અત્રે નોંધનીય છે કે, સરકાર પાછલાં બાવીસ વર્ષ દરમિયાન આ કાયદો ત્રીજી વખત અમલમાં લાવી છે. આ કાયદો ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ ઓર્ડીનન્સ-2022 તરીકે ઓળખાય છે. જે અંતર્ગત ચોક્કસ નિયમોને આધીન રહીને કોઈ પણ વ્યક્તિ પોતાનું ગેરકાયદે બાંધકામ નિયમિત એટલે કે કાયદેસરનું કરાવી શકે છે. પ્રથમ દ્રષ્ટિએ જ, આ કાયદો - કાયદો તોડવાની માનસિકતા ધરાવતાં લોકોને રક્ષણ આપે છે !

વડોદરામાં પ્રથમ એન્કલેવ નામની રહેણાંક સોસાયટીમાં રહેતા એક અરજદારે આ ઈમ્પેકટ ફી કાયદાને વડી અદાલતમાં પડકાર્યો છે. આ અરજદારના મકાનની બાજુમાં એક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ગેરકાયદે બાંધકામ છે. તેની સામે આ અરજદારે વાંધો ઉઠાવ્યો છે. આ અરજદારના વકીલ માસૂમ શાહે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત હોસ્પિટલમાં થયેલું ગેરકાયદે બાંધકામ બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે છે.

અરજદારે ત્રીજી વખત લાવવામાં આવેલાં આ ઈમ્પેકટ ફી કાયદાને કાનૂની પડકાર આપતાં કહ્યું છે કે, સરકારે એવું જાહેર કર્યું છે કે - અગાઉ બે વખત આ કાયદો અમલમાં મૂકવા છતાં ધાર્યા પરિણામો મળ્યા નથી. હજુ રાજ્યમાં ગેરકાયદે બાંધકામો છે, જે નિયમિત કરી શકાય તે માટે આ કાયદો ત્રીજી વખત લાવવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં અરજદારે એમ પણ જણાવ્યું છે કે, આ ઈમ્પેકટ ફી કાયદાના અમલ માટે રાષ્ટ્રપતિની સંમતિ હજુ સુધી મેળવવામાં આવી નથી.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઈમ્પેકટ ફી કાયદાને કારણે શહેરોનાં વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારાનો બોજ આવશે. જે ટાઉન પ્લાનિંગનાં કોન્સેપ્ટથી વિરોધાભાસી છે. કાયદાને માન આપનારાઓએ આ કાયદાને કારણે સહન કરવું પડશે. કાયદો તોડનારાઓને કારણે, કાયદાને માન આપનારાઓના નાગરિક અધિકારોની હાર થાય એ વાજબી નથી, એમ પણ અરજીમાં જણાવવામાં આવ્યું છે.

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઈમ્પેકટ ફી કાયદાને કારણે નાગરિકોએ સલામતી મુદ્દે પ્રશ્નોનો સામનો કરવો પડશે. આ ઉપરાંત તેઓને મળી રહેલી સુવિધાઓ સામે પણ પ્રશ્નાર્થ સર્જાશે, કાયદાને માન આપનારાઓએ મુશ્કેલીઓ સહન કરવી પડશે. જે બંધારણના આર્ટિકલ 14 અને 21નાં ભંગ સમાન છે. આ ઉપરાંત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઈમ્પેકટ ફી કાયદાને કારણે રાજ્યમાં પર્યાવરણ પર શું અસરો ઉભી થશે ? તે જાણવા રાજ્ય સરકારે ક્યારેય, કોઈ સર્વે પણ કરાવ્યો નથી.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઘણાં બધાં લોકોએ તથા બિલ્ડરો  વગેરેએ જાણીજોઈને ગેરકાયદે બાંધકામો કર્યા છે. અને, ઘણાં બધાં જવાબદાર સત્તાવાળાઓએ પૂરતું ધ્યાન નથી આપ્યું જેને પરિણામે રાજ્યમાં હજારો ગેરકાયદે બાંધકામો ખડકાયા છે. આ એક સ્પષ્ટ પ્રકારની બેદરકારી છે. ગુનાહિત બેદરકારી છે. આ પ્રકારની પ્રવૃતિઓમાં અદાલતોના હુકમોને પણ કેટલાંક લોકો દ્વારા અવગણવામાં આવ્યા છે. હાઈકોર્ટે આ અરજીના અનુસંધાને સરકારને 10 એપ્રિલ પહેલાં પોતાનો જવાબ અદાલત સમક્ષ દાખલ કરવા જણાવ્યું છે.