નેતાઓ-ચૂંટણીઓ કે અધિકારીઓ, 'આ' ગામમાં જતાં જ નથી !
બનાસકાંઠા જિલ્લાનું 'આ' ગામ, સૌ માટે અછૂત શાથી ?! વાંચો.....

Mysamachar.in-બનાસકાંઠા:
કમનસીબી માત્ર માણસોને જ સ્પર્શે એવું નથી. એક આખું ગામ પણ એવું છે - જે ગામ પોતે જ ' કમનસીબ ' છે ! આ એક એવું ગામ છે, જ્યાં એક પણ ચૂંટણીમાં કોઈ જતું જ નથી ! નેતાઓ અને અધિકારીઓ તથા ચૂંટણીઓ - આ ગામથી દૂર જ રહે છે ! અને તેથી, આ કમનસીબ ગામનાં લોકો પણ કમનસીબી ભોગવી રહ્યા છે ! સાતસોની વસ્તી ધરાવતાં આ ગામમાં નથી આરોગ્ય કેન્દ્ર કે નથી રસ્તાઓ ! સમાજની દ્રષ્ટિએ આ આખું ગામ ' બદનામ બસ્તી ' છે ! આ ગામની મહિલાઓ પેટનો ખાડો પૂરવા આખું શરીર ' અજાણ્યા ' પુરૂષોને ધરી દે છે ! અને, એથી પણ વધુ કમનસીબ મુદ્દો એ છે કે - આ ગામનાં લોકોને સૌની માફક તેઓ સામાન્ય જિંદગી જીવી શકે, તેવાં કોઈ જ પ્રયાસો સ્વૈચ્છિક સંસ્થાઓ કે સરકારે કે ધર્મના અગ્રણીઓએ, કોઈએ કર્યા નથી !
બધાંએ આ આખાં ગામને ' બદનામ બસ્તી ' તરીકે સ્વીકારી લીધું છે - વર્ષોથી. આ ગામનાં લોકો ધારાસભ્ય ચૂંટી શકે એ માટે નજીકનાં અન્ય એક ગામમાં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ ગામમાં તો કોઈ જ અધિકારી જતાં નથી. ગામને પોતાની ગ્રામ પંચાયત પણ નથી. નજીકનાં ગામની ગ્રામ પંચાયતમાં આ ગામનો સમાવેશ થાય છે. માત્ર એક જ મતદાતા માટે, મતદાન શક્ય બનાવવા ચૂંટણી તંત્ર કેવું આયોજન કરે છે ?! એ સમાચાર દરેક ચૂંટણી વખતે ગુજરાતમાં ચમકે છે. સાતસોની વસતિ ધરાવતાં આ ગામમાં' મતદાન ' ની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી - એ સમાચાર અત્રે પેશ છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં વાડિયા નામનાં આ ગામમાં સાંઈઠ જેટલાં પરિવારો એવાં છે જેઓના મહિલા સભ્યો દેહ વેચી પરિવારની જવાબદારીઓ વહન કરે છે. આ ગામમાં એક પણ રોડ બનાવવામાં આવ્યો નથી. સાતસો લોકોની વસ્તી છતાં અહીં આરોગ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું નથી. ગામને નામ આપવામાં આવ્યું છે પણ ગામમાં સરકારી ' કામ ' કરવામાં કોઇ જ સરકારે અત્યાર સુધીમાં રસ દાખવ્યો નથી. એટલું જ નહીં, આ ગામનાં પરિવારોને આ ધંધામાંથી બહાર લાવી સમાજની મુખ્ય ધારામાં સંમિલિત કરવાનો એક પણ પ્રયાસ કોઈ મહિલા સંસ્થાએ, સ્વૈચ્છિક સંસ્થાએ કે સરકારે કર્યો હોય, એવું રેકર્ડ પર નથી. આ ગામનાં લોકો મતદાન તથા અન્ય જરૂરી કામો માટે નજીકનાં વડગામડાં ગામમાં જવા મજબૂર છે. આ ગામ નજીકથી બનાસકાંઠા જિલ્લાનો થરાદ-ધાનેરા હાઈવે પસાર થાય છે. આ ચૂંટણીમાં પણ આ વાડિયા ગામનાં લોકો મત આપવા નજીકનાં વડગામડા ગામમાં જશે. પોતાનો ધારાસભ્ય ચૂંટશે !! જે ધારાસભ્ય ક્યારેય, આ ગામની, આ મતદારોની મુલાકાત લેશે નહીં !!