હત્યાની સોપારી આપનાર ભૂમાફિયા જયેશ પટેલ ભારતમાં જ છે?

બ્રહ્મ સમાજે રજૂઆતમાં જણાવ્યુ

હત્યાની સોપારી આપનાર ભૂમાફિયા જયેશ પટેલ ભારતમાં જ છે?

mysamachar.in-જામનગર:

જામનગરના ટાઉન હોલ નજીક નામાંકિત વકીલ કિરીટ જોષીની ઉપરાછાપરી છરીના ઘા ઝીકીને હત્યા નીપજવવાના મામલાએ સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચાવી દીધી હતી અને હત્યા બાદ આ કેસમાં કિરીટ જોષીની હત્યા કરવા માટે જામનગરના કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલનું નામ સામે આવ્યું હતું આ વાતને આજે પાંચ-પાંચ મહિના જેટલો સમય વીતી ચૂક્યો પણ જયેશ પટેલ ખરેખર ક્યાં છે તેની કોઈને ખબર નથી, 

હત્યાની સોપારી આપનાર જયેશ પટેલ પોલીસની નજરથી જોજમ દુર છે ત્યારે ન્યાયની અપેક્ષા સાથે જામનગર સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને કિરીટ જોશીનો પરીવાર જીલ્લા પોલીસ વડાને યોગ્ય પગલાં લેવાય તેવી રજૂઆત કરવા માટે પહોચ્યો હતો, ભૂમાફિયા જયેશ પટેલની હજુ સુધી ધરપકડ થઈ નથી, એવામાં પોલીસથી ડરવાને બદલે જયેશ પટેલ પોલીસને પડકાર ફેકતો હોય તેમ સાક્ષીઓને ધમકી આપી રહ્યો છે, તાજેતરમાં જ હત્યા કેસના સાક્ષી અને તેના ભાઈને પણ મારી નાખવાની ધમકી આપવાની કથીત ઓડિયો ક્લીપ પણ સામે આવી હતી અને ખુદ કેસના સાક્ષી પણ ધમકીને કારણે ભયમાં હોય તેવું લાગી રહ્યું છે,   

બ્રહ્મ સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે જયેશ પટેલ ભારતમાં જ છે અને જામનગરના અનેક લોકોના સંપર્કમાં રહીને ગેરકાયદેસર પ્રવૃતિ પણ કરતો હોવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો છે ત્યારે આ મુદ્દો પણ પોલીસ પાસે તપાસ માંગી લેતો છે, 

આમ મહિનાઓ વીતી ચૂક્યા પણ મુખ્ય આરોપી પોલીસ પકડથી દુર હોય ત્યારે તેને તાકીદે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવા રજૂઆત કરાઇ છે,આજે આ રજૂઆત વેળાએ જામનગર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, મહામંત્રી સુનિલ ખેતીયા, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી,આશીષભાઇ જોષી વગેરે બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા,

અને કિરીટ જોશીના પત્ની ઢળી પડ્યા... 
આજે સમસ્ત બ્રહ્મ સમાજ અને સ્વ.વકીલ કિરીટ જોશીના પરીવારજનો એસ.પી.ને રજૂઆત કર્યા બાદ જ્યારે કિરીટ જોશીના પત્ની મીડિયાને પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે તેઓ ભારે ભાવુક થઈ ઉઠ્યા હતા અને થોડીક ક્ષણો માટે ઢળી પડતાં હાજર સૌ કોઈની આંખો પણ ભરાઈ આવી હતી.