ખેતીમાં નવા પાક ‘કસાવા’ની સફળ ખેતી કરતી આરબલુસની બહેનો, કસાવા શું છે તે પણ જાણો..

બ્રાઝિલના કસાવાનું વાવેતર કરી બહેનો બની પ્રગતિશીલ ખેડૂત

ખેતીમાં નવા પાક ‘કસાવા’ની સફળ ખેતી કરતી આરબલુસની બહેનો, કસાવા શું છે તે પણ જાણો..

Mysamachar.in-જામનગર:

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે કહેવતને સાર્થક કરતી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની રાધે ગૃહ ઉદ્યોગ મંડળની સભ્યો એવી ખેડૂત પરિવારની આઠ બહેનોએ પોતાની આવડત અને મહેનતથી ગત જૂન માસમાં આત્માના સહકાર થકી ગૃહ ઉદ્યોગનો આરંભ કર્યો હતો. ગૃહ ઉદ્યોગમાં સફળતાના સોપાનો સર કરતી આ ખેડૂત બહેનો માત્ર ગૃહ ઉદ્યોગ થકી જ સિમિત ન રહેતા પોતાની ખેતીને પણ પ્રગતિકારક બનાવવા કટિબદ્ધ રહી છે. આ બહેનોએ ખેતીમાં નવા પાકોના પ્રયોગોનો પ્રારંભ કરી તેમાં સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.


‘કસાવા’ નામક મૂળ બ્રાઝિલના કંદની સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી જામનગર ખાતે સફળ ખેતી કરી આ બહેનો પ્રગતિશીલ ખેડૂત બની છે.‘કસાવા’ના એક છોડથી આજે અનેક છોડ ઉછેરી એક છોડ દીઠ ઓછામાં ઓછા ૭ કિલો કસાવાથી વધુમાં વધુ ૩૫ થી ૪૦ કિલો કસાવાનો પાક આ બહેનો મેળવી રહી છે. ગત વર્ષે પ્રયોગાત્મક સ્તરે કરેલી ૧૦ છોડની કસાવાની ખેતીમાંથી આ બહેનોએ આશરે ૩૩૫ કિલો કસાવાનો પાક મેળવ્યો હતો. જેમાંથી રૂ. ૨૬ હજાર જેવી પાકની આવક અને આશરે ૫ હજાર જેવી માત્ર છોડના વેચાણ થકી આવક મેળવી હતી. આ વર્ષે આ પ્રયોગને આગળ ધપાવતા આ બહેનો દ્વારા ૪૫ છોડનું વાવેતર કરાયું છે.

રાધે ગૃહ ઉદ્યોગ મંડળ ચલાવતી આ ખેડૂત બહેનો ગૃહ ઉદ્યોગ થકી કસાવાની ચીપ્સ બનાવીને વેંચે છે.કસાવામાં રહેલા ઔષધિય ગુણોને ધ્યાને લઇ તેમજ તેની ચીપ્સની બનાવટમાં લેવી પડતી હતી ઝીણવટભરી કાળજીને કારણે કસાવાની ૧કિલો ચિપ્સ ગૃહ ઉદ્યોગ દ્વારા એક હજાર રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે. કસાવાની સફળ ખેતી કરતા આ બહેનોએ ખેતીમાં સતત નવા પ્રયોગો હાથ ધરી નવા પાકોના સફળ વાવેતર કરવાનો નિશ્ચય દર્શાવ્યો હતો, 

સાથે જ કસાવાના જ વાવેતર વિશેનું કારણ પૂછતાં જણાવ્યું હતું કે કસાવાએ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે. દેખાવે શક્કરિયા જેવું દેખાતું આ કંદ ખૂબ જ ઓછી સંભાળ, ઓછા પાણી અને ખાતર વિના ઉછેરી શકાય છે.આ કંદને તેના જ ખરતાં પર્ણ ખાતર રૂપ પોષણ પૂરું પાડે છે.કસાવાના સફળ પાકને મેળવવા માટે જંતુનાશક દવાના છંટકાવ કે પ્રાકૃતિક રીતે પણ ગૌમૂત્રના છંટકાવની કોઈપણ આવશ્યકતા નથી. પાક મેળવ્યા બાદ કસાવાના એક વિકસિત છોડમાંથી ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ નવા રોપા તૈયાર કરી શકાય છે, જેના દ્વારા ૮-૯ મહિનામાં કસાવાનો પાક મેળવી શકાય છે. મુળ કસાવાની૪૫ જાતો છે. જેમાંથી ૩૫જાતો ખાદ્ય છે, જ્યારે અન્ય ૧૦ જાતો અખાદ્ય છે. આ અખાદ્ય જાતોમાં કુદરતી સાઈનાઈડ હોવાથી આ જાતોને અખાદ્ય જણાવવામાં આવી છે.

ખાદ્ય કસાવાનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. ચીર યુવાન દેખાવા માટે સપ્તાહમાં એકવાર કસાવાનો ઉપયોગ કરવાનું સૂચન આયુર્વેદમાં પણ છે. ગર્ભવતી સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ સિવાય અન્ય દરેક વયના વ્યક્તિ માટે કસાવા ખૂબ જ ગુણકારી છે. પાચન સંબંધિત રોગોમાં કસાવાનો લોટ કે અન્ય કોઈપણ રીતે ઉપયોગ કરી ખોરાકમાં સમાવેશ કરવો અત્યંત લાભકારી છે. ખેતીમાં પ્રયોગો હાથ ધરી પ્રગતિ કરતા આ ખેડૂતો બહેનોએ હાલમાં રાગી, કીનોવા જેવા નવા પાકોના વાવેતરના પ્રયોગો પણ હાથ ધર્યા છે.કસાવાની ખેતી માટે અન્ય ખેડૂતો પણ પ્રેરણા લે તે માટે આ બહેનો દ્વારા આગામી દિવસોમાં કૃષિ મેળા દરમિયાન અન્ય ખેડૂતોને કસાવાના રોપનું વિતરણ/ વેચાણ પણ કરવામાં આવશે.