પદનો લાડુ આરોગવો છે સૌને, પણ થાળમાં લાડુ માત્ર પાંચ !

જામનગર મહાનગરપાલિકામાં આવતીકાલે પાંચ પદ કોને મળશે ?! : સર્વત્ર ઉતેજના

પદનો લાડુ આરોગવો છે સૌને, પણ થાળમાં લાડુ માત્ર પાંચ !
File image

Mysamachar.in:જામનગર

જામનગર મહાનગરપાલિકામાં શાસકપક્ષના તમામ પુરુષ-મહિલા નગરસેવકો પદનો લાડુ આરોગવા થનગની રહ્યા છે. કેટલાંકને કારનું તો કેટલાંકને ઓફિસનું આકર્ષણ છે. કેટલાંકને મન માત્ર નેઈમ પ્લેટ મહત્વની છે તો કેટલાંક ઈચ્છે છે કે, પદ નામના મધપૂડામાંથી મધ ટપકતું રહે ! આરોગ્ય માટે મધને આયુર્વેદમાં મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ સૌ જાણે છે એમ, જૂગાર હોય કે જંગ, રાજકારણ હોય કે પછી લોટરી- બધાં ન જિતે. જિતનારા થોડાં હોય અને હારનારા ઘણાં બધાં ! જામનગર મહાનગરપાલિકામાં આવતીકાલે આમ જ બનવાનું છે ! મોટાભાગના હારી જશે. જિતશે માત્ર પાંચ નગરસેવક. અને એમાંથી પણ બે-ત્રણ વિજેતાને તો જિતની ખાસ ખુશી પણ નહીં હોય, હસતું મોઢું રાખશે, એટલું જ ! અને બીજી તરફ, હારી જનારાઓનો અસંતોષ ચરમકક્ષાએ પહોંચી જશે. શહેર સંગઠનની આકરી કસોટી થશે, કેમ કે આવતે વર્ષે લોકસભા ચૂંટણી છે. સૌને સાથે અને દોડતાં કેમ રાખી શકાય ?!

શાસકપક્ષના મોટાભાગના કોર્પોરેટર મેયર થી માંડીને ચેરમેનપદ સુધીના પદો માટે દાવાઓ 'દાખલ' કરી ચૂકયા છે. પ્રદેશ સ્તરે સંસદીય દળની બેઠકમાં દલીલો પણ થઈ ગઈ છે. મોવડીમંડળે ચુકાદો અનામત રાખ્યો છે, જે આવતીકાલે 12મી સપ્ટેમ્બરે ગાંધીનગરથી કવરમાં જામનગર આવશે. પછી બંધ કવરમાંથી નામો બહાર આવશે. તાળીઓની ગૂંજ ઓછી અને નિસાસા તથા હીબકાં વધુ સંભળાશે ! કારણ કે, લાડુ માત્ર પાંચ છે અને સૌ ઇચ્છે છે મારાં થાળમાં લાડુ આવે. અને મોટાભાગના તો વળી એવું ઇચ્છે છે કે, મારે સાદો નહીં- સૂકામેવાથી ભરપૂર, ખસખસ છાંટેલો અને મોટો લાડુ જોઈએ ! જે શકય જ નથી,  તેથી આવતીકાલથી શહેર સંગઠનની પ્રત્યેક સવાર બોઝિલ બની શકે છે, દિવસો અઘરાં પૂરવાર થઈ શકે છે !

આવતીકાલે મંગળવારે કોર્પોરેશનના વિશેષ જનરલ બોર્ડમાં નવા પદાધિકારીઓની વરણી થશે. આ નવા પદાધિકારીઓ આગામી અઢી વર્ષ માટે, શહેર સંગઠનની સૂચનાઓ મુજબ કોર્પોરેશનનું સંચાલન કરશે. અને દરમિયાન 2024માં લોકસભા ચૂંટણીઓ માટે પણ કામ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીની પાછલી બધી જ ટર્મ કરતાં આ વખતે શાસકપક્ષમાં સ્પર્ધા ગળાકાપ છે, જે નવાજૂની પણ સર્જી શકે છે !