ક્રિષ્નાપાર્ક ફાયરીંગ મામલો, ફાયરીંગ કરનાર આરોપી પાસેથી હથિયાર લેનાર કાલાવડ નગરપાલિકાનો સભ્ય નીકળ્યો

જામનગર એલસીબીએ સભ્યની કરી ધરપકડ

ક્રિષ્નાપાર્ક ફાયરીંગ મામલો, ફાયરીંગ કરનાર આરોપી પાસેથી હથિયાર લેનાર કાલાવડ નગરપાલિકાનો સભ્ય નીકળ્યો

Mysamachar.in-જામનગર

થોડા દિવસો પૂવે જામનગરના લાલપુર બાયપાસ નજીક ક્રિષ્નાપાર્કમાં બિલ્ડર ફાયરીંગની ઘટના સામે આવી હતી, બિલ્ડર ગીરીશભાઈ ડેર પર ત્રણ અજાણ્યા શખ્સોએ ધડાધડ ફાયરીંગ કર્યું હતું. જો કે બિલ્ડરે પોતાના હથિયાર વડે સામે ફાયરીંગ કરતા ત્રણેય શખ્સો નાશી ગયા હતા. ત્યારબાદ અમદાવાદ એટીએસની ટીમે ફાયરીંગ કરનાર ત્રણ શખ્સો હિતેશ ઉર્ફે હિતેશસિંહ ઉર્ફે હિતુભા જાડેજા અને સંજય અરશીભાઈ બારડ અને વાળા પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ નામના ત્રણ શખ્સોને ઝડપી જામનગર એલસીબીના હવાલે કર્યા હતા. જામનગર પોલીસે ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા જેમાં આરોપી હિતેશે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કાલાવડના એક શખ્સને જે તે દિવસે જ વેચી નાંખ્યુ હોવાનું કબુલ્યું હતું.

જે બાદ એલસીબીએ કાલાવડ તરફ તપાસ લંબાવતા કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ કોંગી સદસ્ય ઇમરાન ગફાર સમાને કાલાવડ થી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના કબજામાંથી 50 હજારની કિમતની એક પિસ્તોલ કબજે કરી હતી.જો કે કાલાવડ નગરપાલીકાના સદસ્ય આવા ગંભીર ગુન્હામાં વપરાયેલ હથિયાર ખરીદ કર્યાનું અને એલસીબી તેને ઉઠાવી ગયાની વાતે કાલાવડમાં રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે.