અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને એવો તો માર્યો કે મોતને ભેટ્યો 

મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, ખંભાળિયાના આસોટાની ઘટના 

અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને એવો તો માર્યો કે મોતને ભેટ્યો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના નાના આસોટા ગામે થોડા દિવસો પૂર્વે યુવાન પર જુના મનદુ:ખનો ખાર રાખી પાઇપ-ધોકા વડે બે શખ્સો તુટી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ યુવાને જામનગરમાં ટુંકી સારવાર દરમિયાન દમ તોડતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.જે બાદ ખંભાળિયા પોલીસે આ મામલે બે સગા ભાઇ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ ખંભાળીયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા કરશન આંબલીયા પર શુક્રવારે સવારે જૂના મનદુઃખનો ખાર રાખીને બે શખ્સોએ એકસંપ કરી પાઇપ અને ધોકા વડે હુમલો કરતા કરશન આંબલીયા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો.જે બાદ તેને સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જામનગર ખાતે ટુંકી સારવાર દરમ્યાન કરશન આંબલીયાનો મૃત્યુ થતા માથાકૂટનો બનાવ હત્યામાં પલટાયો હતો.જે બાદ ખંભાળીયાના પી.એસ.આઈ કે.એન.ઠાકરીયા સ્ટાફ સાથે જામનગરની જી જી હોસ્પિટલ દોડી જઇ પ્રાથમિક નિવેદન નોંધી મૃતદેહનુ જામનગર ખાતે પોષ્ટમોર્ટમ કરાવી મોડી સાંજે આરોપીઓ નાના આસોટા ગામના રહીશ બન્ને સગાભાઈઆરોપી દેવાણંદ કરશન ખૂટી અને જીવા કરશન ખૂટી સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં માટે ચક્રો ગતિમાન કર્યા છે.