ખંભાળિયા: આથમણા બારા ગામે માતાએ 7 દિવસની બાળકી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો

માસુમ બાળાની છઠ્ઠીની વિધિ કે નામકરણ પણ થયું ન હતું

ખંભાળિયા: આથમણા બારા ગામે માતાએ 7 દિવસની બાળકી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી એક પરિણીત મહિલાએ પોતાની એક સપ્તાહની માસૂમ બાળકીને સાથે લઈને કુવામાં ઝંપલાવી દેતા માતા-પુત્રીના નિષ્પ્રાણ દેહ સાંપડયા હતા.આ કરુણ બનાવની પોલીસ મથકે જાહેર થયેલ વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલા આથમણા બારા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બહાદુરસિંહ જાડેજા નામના એક યુવાનના લગ્ન થોડા સમય પૂર્વે ભોગાત ગામે રહેતા પ્રફુલ્લાબા નામની એક યુવતી સાથે થયા હતા.આઠ વર્ષના લગ્નગાળામાં 34 વર્ષીય પ્રફુલ્લાબા બહાદુરસિંહ જાડેજાને અગાઉ બે પુત્રીઓ અવતરી હતી. આજથી આશરે સાતેક દિવસ પૂર્વે તેણીને થયેલી પ્રસુતિમાં વધુ એક પુત્રીનો જન્મ થયો હતો.છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા પ્રફુલ્લાબા જાડેજાની દવા એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી.

આ વચ્ચે ગત રાત્રીના સમયે ડ્રાઇવિંગ કામ કરીને આવેલા બહાદુરસિંહ જાડેજાને વહેલી સવારે આશરે છ વાગ્યે તેમના પત્ની ઘરે ન હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આટલું જ નહીં, તેમની સાત દિવસની પુત્રી પણ ઘરે ન હતી. તેઓની શોધખોળમાં તેઓના ઘરથી થોડે દૂર અને ગામના પાદરમાં આવેલી એક વાવમાં તપાસ કરતા આ માતા-પુત્રીના મૃતદેહ વાવમાં હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું.આમ, માનસિક બીમારી વચ્ચે સાત દિવસની માસૂમ પુત્રી સાથે માતાએ કોઈ અકળ કારણોસર વાવમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે, વધુમાં જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં જ જન્મેલી માસુમ બાળાની છઠ્ઠીની વિધિ કે નામકરણ પણ થયું ન હતું. તે પૂર્વે જ માતા સાથે પુત્રીનું અવસાન થયાના બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી પ્રસરાવી છે.