મનોબળ મજબુત રાખજો, જો 103 વર્ષના દાદા કોરોનાને હરાવી દે તો તમે ના હરાવી શકો...

દાદા માત્ર 8 દિવસમાં સ્વસ્થ થયાં

મનોબળ મજબુત રાખજો, જો 103 વર્ષના દાદા કોરોનાને હરાવી દે તો તમે ના હરાવી શકો...

Mysamachar.in-મોરબી

કોરોના રીપોર્ટ પોજીટીવ આવતા જ લોકો ખુબ જ ચિંતામાં આવી જાય છે અને જેનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે તે તેમજ તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં ગરકાવ થઇ જાય છે, પણ આવી ચિંતા કરવાને બદલે કોરોનાનો સામનો કરવો જોઈએ તો તે પણ હારી જાય આવું ઉદાહરણ મોરબીના 103 વર્ષના દાદાએ પૂરું પાડ્યું છે, અને આ દાદાએ અઠવાડિયામાં કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. મોરબીના આમરણ ગામના વતની જીવરાજભાઈ પરબતભાઈ ગડારા કે જેઓ 103 વર્ષની ઉમરના હોય જે કોરોના સંક્રમિત થયા હતા તાવ અને ગળામાં દુખાવાને પગલે રેપીડ ટેસ્ટ કરાવ્યો હોય જેમાં તેઓ કોરોના પોઝીટીવ હોવાનું માલૂમ પડતા ફેમીલી ડોક્ટર પાસે સારવાર શરુ કરાવી હતી.

હોમ આઈસોલેશનમાં રહીને તેમને ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવાઓ લીધી હતી અને માત્ર આઠ દિવસના ટૂંકાગાળામાં 103 વર્ષની ઉમરે તેમને કોરોનાને મ્હાત આપી છે અને હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે ત્યારે ગડારા પરિવાર પણ ખુશ જોવા મળે છે જે પ્રસંગે તેમના પુત્ર અને મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા જણાવે છે કે તેઓ સેવાભાવી પ્રકૃતિના છે અને હાથ પગ ચાલતા ત્યાં સુધી ગૌશાળામાં તેઓ સેવા આપતા હતા હવે શરીર નાદુરસ્ત હોવાથી તેઓ મોરબી અમારી સાથે આવીને રહે છે. કોરોના પોઝીટીવ થયા છતાં તેઓ હિંમત હાર્યા ના હતા અને સંપૂર્ણ કાળજી રાખી હિમત સાથે કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે.

આઠ દિવસ કોરોના સામે સંઘર્ષ કરીને કોરોનાને હરાવી દીધો હતો, કોરોના સંક્રમિત થયા બાદ બે દિવસ બાપાનું ડી ડાઈમર ચિંતાજનક હતું અને લોહી ઘાટું થઇ જતું હતું છતાં બાપાએ હિમત અને ધીરજ સાથે કોરોના સામેનો જંગ જીતી લીધો છે આમ હિમત અને મજબુત મનોબળ હોય તેમજ જીવવાની પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો કોરોના શું કોઈપણ બીમારી વ્યક્તિને હરાવી શકતી નથી તે જીવરાજ બાપાએ સિદ્ધ કરી બતાવ્યું છે કોરોના મહામારીના સમયમાં જયારે હાહાકાર છે અનેક દર્દીઓ કોરોનાના નામથી ભયભીત થઇ જતા હોય છે ત્યારે જીવરાજભાઈ તમામને પ્રેરણા આપી રહ્યા છે અને મજબુત મનોબળ રાખીને કોરોના સામેનો જંગ જીતી શકાય છે તેમ જણાવ્યું હતું.