1 લાખ 8 હજાર ડાયમંડના વાઘા, સાળંગપુર કષ્ટભંજનદેવના આજના શણગાર છે જોવા જેવા...

દાદાના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી

1 લાખ 8 હજાર ડાયમંડના વાઘા, સાળંગપુર કષ્ટભંજનદેવના આજના શણગાર છે જોવા જેવા...

Mysamachar.in-બોટાદ:

જે મંદિર સાથે હજારો લાખો નહિ પરંતુ કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે તે બોટાદ સ્થિત સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે આજે, એટલે કે કાળી ચૌદશના દિવસે કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન 15 કિલો છે, સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

‘કષ્ટભંજન દેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની સાથે 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલતું હતું. આ વાઘા 10થી 15 વખત દાદા પાસે લાવવામાં આવ્યા, જેમાં નાના-મોટા ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. એક વખત અડધા વાઘા બની ગયા પછી એને ભાંગીને ફરીથી નવા વાઘા બનાવાયા હતાં.આમ દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા તૈયાર થયા છે.’આ વાઘા વિશેષ એટલા માટે છે કે એમાં 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે. આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો છે.આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. વાઘાને વધુ આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે.આકર્ષક ડિઝાઈન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો છે.