Mysamachar.in-જામનગર
લોકોના આરોગ્યની જાળવણી કરવા સમર્પણ ભાવથી આરોગ્ય કર્મચારીઓએ ફરજને સેવા ગણી નિભાવવાની હોય છે, આ ખુબ મોટી જવાબદારી છે પરંતુ કોઇ-કોઇ આરોગ્ય કર્મચારી આ ફીલ્ડને લાંછન લગાડે છે, જે જરા પણ સાંખી જ ન લેવાય તે સ્વાભાવિક છે વાત જાણે એમ છે કે કાલાવડ તાલુકાના નિકાવાના હેલ્થ વર્કરની સામે દાદાગીરી અને ધાકધમકીની સનસનીખેજ આક્ષેપ સાથે ફરિયાદ થઇ હોય ચકચાર મચી છે, અને સરકારી ક્વાર્ટરનો ઉપયોગ કરતા હોવાની રજુઆતો થઇ છે, બીજી તરફ તાલુકા આરોગ્ય અધીકારી તેને છાવરતા હોઇ તપાસ પણ ન કરતા ડી.એચ.ઓ. એ ફરીથી કડક તપાસનો આદેશ કર્યો છે, જો કે બે માસ પૂર્વે કરેલ આદેશમાં પણ હજુ સુધી કોઈ પગલા ના લેવાયા હોવાનું સુત્રો જણાવે છે,
નિકાવાના અરજદાર વી.જે.પરમાર દ્વારા ફરિયાદ કરવામા આવી છે કે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર- નિકાવા સબસેન્ટર–રાજસ્થલી ખાતે મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હરેશ ગરૈયા સરકારી દવાખાના કવાર્ટરમાં રહેતા હોવાનું તેમજ મેડીકલ ઓફીસરને ધાકધમકી આપી ક્વાર્ટરનો દુરૂપયોગ કરે છે , તેમજ નિયમિત ફરજ પર જતા નથી તેવા આક્ષેપોવાળી અરજી લાંબા સમયથી કરવામાં આવેલ છે, છતાં તપાસ પૂર્ણ જ નથી થતી, આ રજુઆતની યોગ્ય તપાસ કરી આધાર પુરાવા તેમજ તમારા સ્પષ્ટ અભિપ્રાય સાથેનો પ્રાથમિક તપાસ અહેવાલ રજુ કરવા જિલ્લા આરોગ્ય અધીકારીએ તાલુકા હેલ્થ ઓફીસરને સુચના આપી તપાસ કરવા કહેલુ પરંતુ આ કર્મચારીને છાવરતા હોય કે ગમે તેમ તાલુકા અધીકારીએ તપાસ કરેલ નથી કે તપાસ પૂર્ણ કરેલ ના હોવાનું જાણવા મળે છે,
માટે જિ.આ.અધીકારીએ થોડાસમય પૂર્વે ફરી લેખીત સુચના આપી તાકીદ કરી છે કે આ કર્મચારી સામેની ફરિયાદનો અહેવાલ રજુ થયેલ નથી જે ઉચિત ગણાય નહી માટે આ બાબતે પ્રાથમિક તપાસના કામે હેલ્થ વર્કર હરેશ ગરૈયાનું નિવેદન તેમજ જરૂરી લાગતા વળગતા નિવેદન રોજકામ તેમજ અરજીમાં જણાવેલ દરેક બાબતોની ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે અહેવાલ મોકલી આપવો તેમ કડક સુચના આપી છે, હેલ્થ વર્કરની જોહુકમીની આ ચકચારી ફરિયાદ બાબતે થઇ રહેલા ઢાંક પિછોડા અને તપાસના વિલંબ પણ ટીકા પાત્ર બન્યા છે, તેમજ જાણવા મળ્યા મુજબ આ કર્મચારી હરેશ ગરૈયા લાંબા સમયથી આ પ્રકારે ઘોર બેદરકારી સાથે દાદાગીરી કરે છે, તેમજ આ ગંભીર બાબત હોઇ તાત્કાલીક સઘન તપાસ કરી તેની સામે કડક પગલા લેવા માંગણીઓ ઉઠી છે દરમ્યાન આ પ્રકરણે આ પંથકમાં ચકચાર મચાવી છે.આ તમામ આક્ષેપો અને તપાસ સામે હવે સત્ય શું તે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.