Mysamachar.in-જામનગર
કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય…. જો મન અડગ હોય તો પરિસ્થિતિ ગમે તેવી હોય મુકામ ચોકકસ હાસંલ થઇ શકે છે, આવું જ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામની દીકરી નકુમ હેમાલી રામજીભાઈએ કરી બતાવ્યું છે, તાજેતરમાં જ નેપાળ ખાતે યોજાયેલ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોચ વગર જ ભારતનું પ્રતિનિધિત્વ કરી લોગ જમ્પમાં 5.5 મીટરનું જમ્પ લગાવી પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવી જામનગરનું નામ રોશન કર્યું છે, 23 વર્ષની હેમાલીને બાળપણથી જ અલગ-અલગ રમતો પ્રત્યે એક અલગ જ આકર્ષણ રહ્યું છે. પરંતુ 1 વર્ષ પહેલાં તેમના પિતા રામજીભાઈનું કેન્સરના કારણે મૃત્યુ થતા તેણીએ અધવચ્ચેથી કોલેજનો અભ્યાસક્રમ અને તમામ રમતો રમવાનું છોડી દીધું હતું. હેમાલીને પર્વત પર ચડવાની ટ્રેનિંગ દરમિયાન લોંગ જમ્પ ગેમમાં આગળ વધવાની ઇચ્છા થઈ અને તેણીએ પોતાના નાનકડા એવા કુન્નડ ગામમાં જ દિવસ દરમ્યાન સમય મળે ત્યારે એક કલાક કોચ વિના પ્રેક્ટિસ કરતી હતી.
હેમાલીએ અત્યાર સુધીમાં લોંગ જમ્પમાં મનાલી ખાતે નેશનલ માં 4.50 મીટરનો લોંગ જમ્પ લગાવી પ્રથમ આવી હતી અને ત્યારબાદ રાજકોટ ખાતે અન્ય એક નેશનલ લેવલની સ્પર્ધામાં ત્રીજા ક્રમાંકે આવી હતી. પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હેમાલી ઇન્ટરનેશનલ જવા માટે અસમર્થતા દર્શાવી હતી. પરંતુ તેણીના સમાજે આગળ આવી રૂ. 25000ની સહાય કરી હતી. આથી તે આંતરરાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા માટે નેપાળના પોખરાજમાં ગઈ હતી અને કોચ વિના તેણી ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. નેપાળમાં એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયા 2020-21 મા ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ હાંસલ કરી પરત ફરી ત્યારે જામનગરના હાપા રેલવે સ્ટેશન પર સમાજના આગેવાનો થતા સ્થાનિક લોકો દ્વારા તેમનું ફૂલહાર અને બુકે આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આમ આ દીકરીએ તેના સમાજ અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.