પોલીસ ગ્રેડ પે મામલે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ કમિટીને જામનગર પોલીસકર્મીઓએ પણ આપ્યો આવકાર 

મહિલા પોલીસકર્મી સહિતના સ્ટાફે નિર્ણયને આવકાર્યો 

પોલીસ ગ્રેડ પે મામલે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ કમિટીને જામનગર પોલીસકર્મીઓએ પણ આપ્યો આવકાર 

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલા દિવસોથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને ચાલી રહેલ આંદોલનને મામલે સરકારે હકરાત્મકતા દર્શાવી છે, અને પોલીસ પરિવારો સાથે આજે ગાંધીનગરમાં વાટાઘાટો પણ થઇ હતી, એવામાં જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક આ આંદોલનની અસરો ગઈકાલે જોવા મળી હતી પરંતુ આજે પોલીસ કર્મચારીઓના પરિવાજનોએ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.અને તે બાદ ડીજીપી દ્વારા આપવામાં આવેલ નિવેદનને જામનગરમાં પણ પોલીસકર્મીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે, આજે સાંજે આ અંગેનો વીડીઓ જેમાં મહિલા પોલીસ કર્મચારી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ નિર્ણયને આવકારી રહયાનું નિવેદન પણ જારી કર્યું છે.

રાજ્યના DGP આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગ્રેડ પે મુદ્દે નિરાકરણ લાવવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. IPS બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. GADના નાયબ સચિવનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના સભ્ય તરીકે નાણાં સચિવ આ સમિતિ સમગ્ર મુદ્દે તપાસ કરશે. હવે પછી કોઈપણ ખાનગી વ્યક્તિ કે કર્મચારી આ રીતે કાયદા વિરુદ્ધ વર્તન કરશે તો કાયદેસરના પગલાં ભરવાનું જણાવ્યું છે. પોલીસ વિભાગ માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે. મહત્ત્વનું છે કે, કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ અધિકાર આપવામાં આવ્યા છે. કમિટી તાત્કાલિક રિપોર્ટ આવે તેવી ભલામણ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે દરેકની રજૂઆત કમીટી સમક્ષ સાંભળવામાં આવશે. તો બીજીતરફ ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરાશે.

આ અંગેની કોઈ સમયસીમા નિશ્ચિત કરાઈ નથી. શક્ય એટલું ઝડપથી સમિતિ રિપોર્ટ કરશે.અત્રે નોંધનીય છે કે, છેલ્લાં બે ત્રણ દિવસથી પોલીસ ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ પરિવારો પણ જોડાયા હતા. ધીરે ધીરે ગુજરાતના અનેક શહેરોમાં ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જો કે આજે ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. ત્યારબાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસના પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અંતે આજે જામનગરમાં પણ અન્ય જિલ્લાઓની જેમ આ નિર્ણયને હકારત્મકતાની દિશામાં લઇ જઈ અને પોલીસ વિભાગે આવકાર્યો હોય તેમ લાગી રહ્યું છે.