Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાનું આગામી વર્ષ 2021-22 નું ડ્રાફ્ટ બજેટ રૂ.610.49 કરોડનું આજે મ્યુ.કમિશ્નર સતીશ પટેલે સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કર્યું હતું, આજે રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટને આગામી 30 માર્ચના જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવશે. કોરોનાકાળને કારણે બજેટમાં કોઇ નવો કરબોજ નાંખવામાં આવ્યો નથી અને મહદઅંશે આગલા વર્ષના બજેટમાં દર્શાવેલા કામો પૂર્ણ કરવા મથામણ કરવામાં આવી છે. નલ સે જલ અભિયાન હેઠળ શહેરના બાકી અને નવા ભળેલા વિસ્તારોમાંથી 30,000 રહેણાંક મકાનોને નળજોડાણ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે વર્ષ 2020-21 ના વર્ષનું રીવાઇઝડ અંદાજપત્ર તથા વર્ષ 2021-22 ના વર્ષનું જામનગર મહાનગરપાલિકાનું આવક-ખર્ચનું ડ્રાફટ અંદાજપત્ર કમિશ્નર સતિષ પટેલ રજૂ કરાયું હતું.
બજેટની આ છે હાઈલાઈટસ
– સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ, સડક અને લોકભાગીદારી યોજના તથા જુદી-જુદી ગ્રાન્ટમાંથી રૂ.25 કરોડના ડામર, સીસી રોડના કામનું આયોજન
– ટાગરો કલ્ચરલ કોમ્પલેક્ષ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે અને કન્સેપ્ચ્યુઅલ પ્લાન રજૂ કર્યો છે. ખાતા દ્વારા સૂચવ્યા અનુસાર રિવાઇઝડ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાન્ટ મળ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
– લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાન ગૃહ બનાવનું આયોજન છે.
– સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી પ્રથમ ફેઇઝમાં રૂ.16 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ કામ, ફેઇઝ-2 વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધી અંદાજે 90 કરોડના ખર્ચે રીંગ રોડનું આયોજન.
– પોલીસ હેડ કર્વાટર પાછળ 12043 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી અંદાજે રૂ.20.92 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલપ કરવાનું આયોજન.
– 15માં નાણાંપંચની ગ્રાન્ટ આધારિત રૂ.4.50 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ અને ડીપી રસ્તા ખુલ્લા કરવાનું આયોજન.
– શહેરમાં કાર્યરત 3 ફાયર સ્ટેશન ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ પાસે નવા બે અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવાના આયોજન અન્વયે પ્લાનીંગ
– પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ડીપીઆર તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલી ડીપીઆર મંજૂર થતા તે મુજબ 1404 આવાસનું રી-ડેવલોપમેન્ટ કરાશે. તદઉપરાંત જનતા ફાટક પાસે સ્લમ પોકેટનું ઇન સાઇટ ટુ ડેવલોપમેન્ટ માટે અંદાજે 106 આવાસ બનાવાનું આયોજન છે.
આમ આજના બજેટમાં એકંદરે જૂના આયોજનોને આગળ ધપાવવાનો સમાવેશ આજના બજેટમાં કરવામાં આવ્યો છે, જેમાં અત્યારસુધી ના થયેલા અને દરવર્ષે બજેટમાં જોવા મળતા કામો ખરેખર સાકાર થશે કે પછી જૂની બોટલમાં નવું પાણી જેવું ચાલશે તે જોવાનું છે. આ વર્ષના બજેટમાં ઉઘડતી પુરાંત રૂપિયા 232.89 કરોડ દર્શાવામાં આવી છે જયારે એકંદર કુલ ઉપજ 582.81 કરોડ સહિત રૂપિયા કુલ 815.70 કરોડનું બજેટ રજુ કરાયું છે જેમાં એકંદર કુલ ખર્ચ 612.49 કરોડ અને બંધ પુરાંત રૂપિયા 203.21 રૂપિયા દર્શાવવામાં આવી છે.