રાજ્યભરમાં ગાજેલાં ડમીકાંડનો એક લાભાર્થી જામનગરમાં
2021માં મ્યુ. કોર્પોરેશનમાં એક 'ડમી' ઉમેદવારે પરીક્ષા આપી હતી...

Mysamachar.in:ભાવનગર
ડમીકાંડ ભાવનગર સહિત રાજ્યભરમાં ઘણાં લાંબા સમયથી ગાજી રહ્યું છે. ઘણાં શખ્સો એવાં પકડાયા છે જેઓએ અન્ય ઉમેદવારોને બદલે 'ડમી' તરીકે વિવિધ પરીક્ષાઓ આપી છે અને આ 'સેવા'નો લાભ લેનારાઓ પૈકી સેંકડો લોકો સરકારમાં તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જુદીજુદી જગ્યાઓ પર 'ફરજ' (!?) બજાવી રહ્યા છે. આવો એક શખ્સ જામનગરમાં પણ ઝડપાઈ ગયો હોવાનું ભાવનગરથી જાહેર થયું છે.
જાહેર થયેલી વિગતો અનુસાર, નિકેત જગદીશ પંડ્યા નામનો આ શખ્સ જામનગરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરે છે. તેને બદલે 'ડમી' તરીકે હસમુખ નામનાં શખ્સે પરીક્ષા આપી હતી. આ પરીક્ષા જામનગર મહાનગરપાલિકામાં 2021ની સાલમાં યોજાઈ હતી. નિકેત નામનો આ શખ્સ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગાણા ગામનો છે.
ભાવનગર પોલીસે નિકેત પંડ્યા નામનાં આ શખ્સની ધરપકડ કરી લીધી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યભરમાં ગાજેલાં આ ડમીકાંડમાં અત્યાર સુધીમાં 61 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 15 શખ્સો સરકારી કર્મચારીઓ છે. જામનગરનાં નિકેત પંડ્યાને રિમાન્ડની માંગણી સાથે ભાવનગર અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ડમીકાંડમાં ઝડપાયેલી તળાજા તાલુકાના સથારા ગામની જીગ્ના જગદીશ ધાંધલિયા (20)ને ભાવનગર જિલ્લા જેલહવાલે કરવામાં આવી છે. જામનગરમાં જે શખ્સ ઝડપાયો છે તે 'ડમી' હસમુખની પોલીસ સમક્ષની કબુલાતના આધારે ઝડપાયો છે. આ ડમી કાંડ હજુ ઘણાં નોકરિયાતોને જેલ સુધી પહોંચાડશે, એવું સમજાઈ રહ્યું છે.