જામનગર: ACBના એક જ બનાવમાં બે-બે વખત ફરિયાદ અને બેંક ખાતું ફ્રીઝ કરાવનાર એ.સી.બી. P.I સામે પોલીસ કર્મચારીની કોર્ટમાં ફોજદારી ફરિયાદ

જામનગર: ACBના એક જ બનાવમાં બે-બે વખત ફરિયાદ અને બેંક ખાતું ફ્રીઝ કરાવનાર એ.સી.બી. P.I સામે પોલીસ કર્મચારીની કોર્ટમાં ફોજદારી ફરિયાદ
file image

Mysamachar.in-જામનગર

જામનગર જિલ્લામાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલ વડોદરા જિલ્લામાં બદલી થયેલા પોલીસ કર્મચારી ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા સામે વર્ષ-2019 માં એ.સી.બી.નો કેસ નોંધાયેલ હતો.આ કેસની તપાસ કરનાર એ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયાએ આ પોલીસ કર્મચારીનું જામનગર એસ.બી.આઈ.બેંકમાં રહેલ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ બેંક મેનેજરને કરેલ હતો. તેથી બેંક સતાવાળાઓએ આ પોલીસ કર્મચારીનું સેલેરી સેવિંગ બેંક એકાઉન્ટ તા.24/11/2019 થી ફ્રિજ કરેલ.

પોતાનું સેલેરી સેવિંગ બેંક એકાઉન્ટ બેંક સતાવાળાઓ દ્વારા ફ્રિજ કરવામાં આવતા આ બેંક ખાતામાં જમા થતા આ પોલીસ કર્મચારીનો પગાર અને અન્ય સરકારી નાણા આ પોલીસ કર્મચારી ઉપાડી શકતા ન હતા. છેલ્લા એક વર્ષથી આ રીતે બેંક એકાઉન્ટ ફ્રિજ રાખવામાં આવતા આ પોલીસ કર્મચારી પોતાની હોમલોન નાં હપ્તા પણ ભરપાઈ કરી શકતા ન હતા તેના કારણે બેંક દ્વારા પેનલ્ટી લગાડવામાં આવતા ખોટી રીતે પોલીસ કર્મચારીને આર્થિક નુકશાન સહન કરવું પડેલ અને પગારની રકમ પણ ઉપાડી નહિ શકતા નાણાભીડમાં મુકાવું પડેલ હતું. વારંવાર બેંક મેનેજર અને એ.સી.બી.પોલીસને રજૂઆત કરવા છતાં બેંક ખાતું ઓપરેટ કરાયેલ નહિ.

છેવટે પોલીસ કર્મચારી ચન્દ્ર્વિજયસિંહે બેંક સતાવાળાને લીગલ નોટીશ આપતા બેંક સતાવાળા એ રીપ્લાય આપેલ કે, સી.આર.પી.સી.કલમ-91 ની જોગવાઈ મુજબ અને એ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટરનાં આદેશથી તમારું બેંક ખાતું ફ્રિજ કરવામાં આવેલ છે. આ બેંક ખાતું બંધ કરાવનાર એ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહે કાયદાની જોગવાઈ વિરુધ બેંક ખાતું ફ્રિજ કરાવેલ હતું કારણકે,સી.આર.પી.સી.કલમ-91 માં કોઈ વ્યક્તિનું બેંક ખાતું ફ્રિજ કરાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

આ ઉપરાંત એ.સી.બી.કેશનો સામનો કરી રહેલા આ પોલીસ કર્મચારી ચંદ્રવિજયસિંહે પોતાનાં ઘેરથી જે તે સમયે એ.સી.બી.એ જપ્ત કરેલ રૂ.સાત લાખની રકમનો હિસાબ પણ તપાસ કરનાર એ.સી.બી.પોલીસ ઇન્સ.ને તેજ સમયે આપી દીધેલ હતો અને સાક્ષી પુરાવા પણ રજુ કરેલ હતા તેમ છતાં તેજ રૂ.સાત લાખની રકમ બાબતે એ.સી.બી.પોલીસે આ પોલીસ કર્મચારી સામે વધુ એક નવી ફરિયાદ તા.31/12/2019 નાં રોજ દાખલ કરાવેલ હતી.

આમ એ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાએ પોલીસ કર્મચારી સામે કાયદાની જોગવાઈથી વિરુધ ખોટી કાર્યવાહી કરીને ખોટી રીતે નુકશાન કરતા ભોગ બનનાર પોલીસ કર્મચારીએ કલમ ટ્રસ્ટ જામનગરના સુરેશભાઈ આહીરની કાનુની સલાહ મેળવી પોતાને  થયેલ અન્યાય સામે જામનગરના ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આઈ.પી.સી.કલમ-166 મુજબની ફોજદારી ફરિયાદ એ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેક્ટર  મયુંધ્વજસિંહ સરવૈયા સામે દાખલ કરેલ છે.

આ કેશમાં ફરિયાદી પોલીસ કર્મચારીનાં એડવોકેટ આઝાદ માજોઠીની અસરકારક કાયદાકીય દલીલને ધ્યાને લઇ કોર્ટે આ ફરિયાદ રજીસ્ટરે લઇ આરોપી પોલીસ ઇન્સ્પેકટર સામે પ્રોસેસ કાઢવાનો આદેશ કરેલ છે. આમ એક પોલીસ કર્મચારીએ પોતાને થયેલ અન્યાય બાબતે એ.સી.બી નાં તપાસનીશ અધિકારી સામે કાનુની કાર્યવાહી કરતા પોલીસ બેડામાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બનેલ છે.