જામનગર: જીજી હોસ્પીટલમાં હદ થઇ ગઈ, કુતરા દર્દીના પલંગ પર સુએ છે

વિડીઓ વાઈરલ થયા બાદ અધિક્ષક કહે છે કે....

જામનગર: જીજી હોસ્પીટલમાં હદ થઇ ગઈ, કુતરા દર્દીના પલંગ પર સુએ છે

Mysamachar.in:જામનગર

જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે, જ્યાં જામનગર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે, પણ આ હોસ્પિટલ માટે સરકારને ક્યારેય કોઈ ગંભીરતા હોય કે સ્થાનિક પ્રશાસનને કોઈ ગંભીરતા હોય તેવું લાગતું નથી અને ગાડું ચાલે રાખે છે. આવું વધુ એક વખત ત્યારે જોવા મળ્યું જયારે જીજી હોસ્પીટલ જાણે ઢોરવાડો બની રહી હોય તેમ લાગ્યું...! અગાઉ આ હોસ્પીટલમાં જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાન સહિતના પશુઓના વિડીયો સામે આવી ચુક્યા છે.

અગાઉ પણ આ જીજી હોસ્પિટલમાં ગાય ખૂંટિયા આંટાફેરા કરતા હોવાના વીડિયો સામે આવ્યા ત્યારે તંત્ર દોડતું થયું હતું, ત્યારે હવે હદ તો ત્યારે થઇ ગઈ કહેવાય કે હોસ્પિટલની લોબીમાં આંટાફેરા કરતા શ્વાનો હવે છેક દર્દીઓના ખાટલા પર આરામ ફરમાવતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હોસ્પીટલની આબરુને વધુ એક વખત બટ્ટો લાગ્યો છે. ત્યારે સ્વાભાવિક જ સવાલ થાય કે શું જે વોર્ડમાં શ્વાન દર્દીઓના પલંગ પર સુઈ ગયો ત્યાં કોઈ તબીબ, નર્સિંગ સ્ટાફ, કે સિક્યુરીટી કોઈ હાજર જ નહોતું કે કોઈએ પોતેને કુતરું ના કરડે તે માટે તસ્દી જ ના લીધી...?

જો કે વિડીયો વાઈરલ થયા બાદ જીજી હોસ્પીટલમાં કુતરાના આટાફેરાને લઈને હોસ્પિટલ ડો.દીપક તિવારીએ નિવેદન આપતા કહ્યું કે રખડતા ઢોરનો પ્રશ્ન છે તેને રોકવા માટે ક્લાસ ફોર અને સિક્યુરીટીને સુચના આપી છે અને ફરી સામે આવેલ ઘટના અંગે તપાસ કરીશું અને જરૂરી પગલા લેશું. દર્દી અને તેના સગાઓએ પણ રખડતા પશુઓને ખોરાક ના આપવો જોઈએ તેવી અપીલ પણ અધિક્ષકે કરી હતી.

જીજી હોસ્પીટલમાં સિક્યુરીટી સ્ટાફ શું કરે છે તે ક્યારેય સમજાતું નથી, કારણ કે વાર્ષિક લાખોનો સિક્યુરીટી પાછળ ખર્ચ છતાં જીજી હોસ્પીટલમાં ના બનવાના બનાવો સિક્યુરીટી હાજર હોવા છતાં બનતા રહે તો આવી સિક્યુરીટીની જરૂર જ શું ..? તે સવાલો જાણકારોમાં ચર્ચાય છે.