Mysamachar.in-જામનગર
જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશન તથા જીએસટીટીએ દ્વારા યોજાનાર પ્રથમ મેજર રેંકીગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ જામનગરમાં આગામી તારીખ 24, 25 અને 26 ના રોજ જે.એમ.સી. સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાનાર છે.આ અંગેની માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો દ્વારા માહિતી આપતા જણાવ્યું કે રાજ્યસ્તરના રમતવિરોના ચયન તથા સ્પર્ધા જામનગરમાં યોજાવા જઇ રહી છે તે જામનગર માટે ખુબજ ગૌરવની વાત કહેવાય અને આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ટેબલ ટેનીસના પ્લેયર્સ ઉત્સાહ સાથે ભાગ લેનાર છે. આ સ્પર્ધા માટે ગુજરાતભર માંથી 225 થી 250 જેટલા પાર્ટીસીપન્ટસે ભાગ લેશે. રાજ્યની રેંકીગ ટુર્નામેન્ટ પોંઇન્ટ પર આધારીત રહેતી હોય છે. વિજેતાઓ રોકડ ઇનામોની સાથે પોઇન્ટસ મેળવતા હોય છે. અને સૌથી વધુ પોઇન્ટસ મેળવનાર વિજેતા ગુજરાતની ટીમમાં સમાવેશ થાય છે.આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાતની આગામી ટીમના પ્લેયર્સ પણ નક્કી થતા હોય છે.
તો આ સ્પર્ધા માટે ઈન્ટરનેશનલ તથા નેશનલ લેવલ પર રીફર કરાતા હોય તેવા રેફ્રી સમગ્ર મેચીસનું નિરીક્ષણ કરશે. આ સ્પર્ધાનું આયોજન જામનગરમાં કરવા પાછળનું જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશનનો મુખ્ય ઉદ્દેશ્ય જામનગરના બાળકો તથા યુથમાં સ્પોર્ટસ અંગેની જાગૃતી તથા પ્રેરણા આપવાનું છે. આ સ્પર્ધામાં જામનગરની અગ્રગણ્ય શાળાઓના પ્રિન્સીપાલ તથા સ્પોર્ટસ ટીચરોને હાજર રહી શાળામાં સ્પોર્ટસના પ્રસાર પ્રચાર માટે ખાસ આમંત્રીત કરવામાં આવેલ છે. જેડીટીટીએની ટીમ ટેબલ ટેનીસમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ, બાળકો માટે યોગ્ય સવલતો ઉભી કરવા માટે કટીબધ્ધતા ધરાવે છે.
જામનગરમાં આવી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું આયોજન જેડીટીટીએની સમગ્ર ટીમની મહેનત દ્વારા શક્ય બન્યું છે તેવું જેડીટીટીએના પ્રેસીડેન્ટ વિક્રમસિંહ જાડેજાનું માનવું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જેડીટીટીએના સમગ્ર કાર્યકારી સદસ્યો જેમાં વાઇસ પ્રેસીડેન્ટ જયેશ શાહ, સેક્રેટરી પ્રકાશ નંદા, ટ્રેઝરર કમલેશ પરમાર, જોઇન્ટ સેક્રેટરી ઉર્મીલ શાહ તથા મીડીયા ઇન્ચાર્જ ઉદય કટારમલ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે. જેડીટીટીએ દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોના નેગેટીવ આર.ટી.પી.સી.આર, રીપોર્ટ મેળવ્યા બાદ જ સ્પર્ધામાં ભાગ લઇ શકાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એશોસીએશન કોરોનાની સંપુર્ણ ગાઇડલાઇન તથા તમામ નિતીનીયમોને અનુસરીને અને તેને અનુલક્ષીને જ દરેક સ્પર્ધાનું આયોજન કરતું હોય છે.