સરાહનીય:જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમેં 10 અરજદારોને 5 લાખ પરત અપાવ્યા 

આ રીતે ફ્રોડથી બચી શકાય છે.વાંચો અંદર 

સરાહનીય:જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમેં 10 અરજદારોને 5 લાખ પરત અપાવ્યા 
Symbolic image

Mysamachar.in-જામનગર:

દિવસે ને દિવસે જેમ-જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ ટેકનોલોજીનો દુરુપયોગ કરનાર ભેજાબાજોની સંખ્યા પણ વધી રહી છે, ક્યાંય દુર બેઠા બેઠા લોકોને પોતાની વાતોમાં ભોળવી બેંક ડિટેલ્સ સહિતની વિગતો ફોન પર મેળવી લઇ, ક્યારેક ઓટીપી મેળવી લઇ બેંક ખાતાઓ સાફ કરવાના કેટલાય બનાવો રોજબરોજ વધવા લાગ્યા છે, ત્યારે આવા ગુન્હાઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈને લોકોને આવી છેતરપીંડીથી બચાવી શકાય તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જામનગર સહીતના કેટલાય જિલ્લાઓમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરી તેમાં ચુનંદા સ્ટાફને ખાસ તાલીમ સાથે નીમણુંકો આપવમાં આવી છે,

ત્યારે જામનગરમાં પણ પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સુચના તથા એ.એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ગાધેની ટીમ આવા ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને લોકોને તેના નાણા પરત મળે તે દિશામાં અથાગ જહેમત ઉઠાવી રહી છે, જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ બેન્કફ્રોડ જેવા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા જામનગર જીલ્લા ખાતે 18 જુન 2021 થી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. જે અનુસંધાને થોડા સમય પહેલા કુલ 10 અરજીઓ મળેલ જેમાં વિવિધ પ્રકારના ફ્રોડ સાથે સંડોવાયેલા ફ્રોડરોએ અલગ અલગ બહાનાઓ અને માધ્યમો હેઠળ ફેસબુકમાં તથા ઓએલએકસમાં જાહેરાત મુકી વસ્તુની ખરીદી-વેચાણનું કહી એડવાન્સ પેટે પૈસા ચુકવવાનું કહી તેમજ કર્યુઆર કોડ મોકલી કેશબેક કરવાનું કહી, અરજદાર પાસેથી કેવાયસી અપડેટ કરવાનું કહી બેંક ડીટેઇલ તથા ઓટીપી માંગી અલગ-અલગ 10 અરજદારના કુલ રૂ.4,96,000/- ની છેતરપીંડી કરેલ હતી.

જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાધેના માર્ગદર્શનથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને તપાસ કરતા જેમાં ફ્રોડરે ફ્રોડની રકમ દ્વારા ફ્લીપકાર્ટમાં ઓર્ડર કરેલ હોય જે ઓર્ડર કેન્સલ કરાવી તેમજ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરેલ હતા જેની માહિતી માટે લગત બેંકને તાત્કાલીક રિપોર્ટ કરી માહિતી મંગાવી જે માહિતીનું ટેકનીકલ એનાલીસીસ કરી ફ્રોડમાં ગયેલ નાણા હોલ્ડ કરાવી બેંક તથા વોલેટના નોડલ અધિકારી સાથે જરૂરી પત્રવ્યવહાર કરી તમામ 10 અરજદારના ફ્રોડમાં ગયેલ કુલ રૂ.4,96,000/- અરજદારના બેંક એકાઉન્ટમાં પરત જમા કરાવેલ છે.આ કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર કે.એલ.ગાધે, પીએસઆઈ વી.એ.આહીર, એ.આર.રાવલ તથા સ્ટાફના ભગીરથસિંહ જાડેજા, બિપીનકુમાર દેશાણી, ધર્મેશ વનાણી, રંજનાબેન વાઘ તથા લોકરક્ષક રાહુલભાઇ મકવાણા, ચંદ્રિકાબેન ચાવડા તથા ગીતાબેન હિરાણીનાઓએ કરેલ છે.

-ફ્રોડથી બચવા આટલું કરીએ...
આવા ફ્રોડથી બચવા સારું કોઈપણ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને તે તમારી વિગતો માંગે તો તે આપવાથી બચવું ઉપરાંત કોઈ અજાણી લીંક તમારા મોબાઈલ પર આવે તો તેના પર ક્લિક ના કરી તેણે ડીલીટ કરી દેવી જોઈએ વધુમાં ક્યારેય કોઈને ઓટીપી સેર ના કરવા ઉપરાંત મોબાઈલ કે કોમ્પ્યુટરના એક્સેસ અજાણી વ્યક્તિને આપવાથી દુર રહીએ તો આવા ફ્રોડથી બચી શકાય છે, છતાં પણ આવા ફ્રોડ થયાનું જણાઈ આવે તો સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તુરંત પહોચવું જોઈએ.