Mysamachar.in:જામનગર
જે રીતે ગુજરાત લાંબો દરિયાકિનારો ધરાવે છે એ જ રીતે ગુજરાતમાં જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓ લાંબા દરિયાકિનારા ધરાવે છે, જે જામનગર કસ્ટમ તંત્ર હેઠળ આવે છે. પરંતુ આ વિભાગમાં વર્ષોથી શું ચાલી રહ્યું છે ?! તે અંગે ક્યારેય, કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવતી નથી ! ભૂતકાળમાં જામનગર કસ્ટમ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન થતાં. દાણચોરો પર પણ આ તંત્રની ધાક હતી અને કસ્ટમ ડ્યુટી ચોરીનાં કિસ્સાઓ પર પણ આ તંત્ર અવારનવાર ત્રાટકતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી, ખાસ કરીને પાછલાં ત્રેવીસ વર્ષ દરમિયાન જામનગર કસ્ટમ દ્વારા કોઈ જ નોંધપાત્ર કામગીરી કે દેશવિરોધી કોઈ જ પ્રવૃત્તિ ઝડપી લેવામાં આવી હોવાનું જાહેર થયું નથી !
ઘણાં લોકોને પ્રશ્ન પણ થાય છે કે, જામનગર અને દ્વારકાથી માંડીને છેક અમરેલી જિલ્લામાં પિપાવાવ પોર્ટ સુધી સતાની આણ ધરાવતાં આ તંત્રનાં અધિકારીઓ વર્ષનાં 365 દિવસ કરે છે શું ?!અત્રે નોંધનીય છે કે, જામનગર કસ્ટમ હેઠળનાં દરિયાકિનારે એકસપોર્ટ અને ઈમ્પોર્ટની બહુ મોટી એક્ટિવીટી થઈ રહી હોય, આ તંત્ર તોતિંગ વાર્ષિક રેવન્યુ ધરાવે છે. વળી આ વિભાગનું કાર્યક્ષેત્ર પણ જબ્બર હોવાથી કેન્દ્ર સરકાર પણ જામનગર કસ્ટમ પર મહેરબાન છે. જામનગર કસ્ટમને ધીરૂભાઇ અંબાણી વાણિજ્ય ભવન (જામનગર ચેમ્બર) નજીક વિશાળ ઈમારત પણ સરકારે બનાવી આપી છે.
હાલારના તથા જામનગર કસ્ટમ હેઠળનાં દરિયામાંથી અવારનવાર રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ (ડ્રગ્સ, હવાલા કૌભાંડ, ગેરકાનૂની સામગ્રીની આયાત નિકાસ વગેરે) થતી હોવાનું પણ જ્યારે જ્યારે જાહેર થાય છે તેમાં પણ જામનગર કસ્ટમ ક્યાંય ચમકતું નથી ! આ વિભાગ આટલી હદે સાયલન્ટ રહે છે તેથી લોકો પણ આ વિભાગની શાંત ગતિવિધિઓને શંકાની નજરે જોવા મજબૂર બને છે ! આ વિભાગ પર કેન્દ્રીય એજન્સી CBIની પણ નજર હોવાનું થોડા સમય પહેલાં જાહેર થયું હતું ! આ ઉપરાંત એ પણ હકીકત છે કે, જામનગર કસ્ટમ સ્થાનિક મીડિયાથી પણ અંતર રાખે છે ! એવું વર્ષોથી જોવા મળી રહ્યું છે. તે મુદ્દો પણ શંકાસ્પદ છે ! અમદાવાદ અને કચ્છ સહિતના કસ્ટમ વિભાગના અધિકારીઓ અવારનવાર દેશવિરોધી પ્રવૃતિઓ ઝડપી લ્યે છે, ડયુટી ચોરી પકડી પાડે છે.
પરંતુ જામનગર કસ્ટમ સંપૂર્ણ નિષ્ક્રિય છે એવો મેસેજ લોકોમાં જઈ રહ્યો છે. જો કે, કેટલાંક લોકો એમ પણ માની રહ્યા છે કે, જામનગર કસ્ટમની જવાબદારીઓ જે પરપ્રાંતિય અધિકારીઓને સોંપવામાં આવે છે તે અધિકારીઓ નિષ્ક્રિય નથી પરંતુ અલગ જ સંદર્ભમાં રાતદિવસ સક્રિય રહે છે, જેની ગતિવિધિઓ ક્યારેય રેકર્ડ પર આવતી નથી ! આપણે સૌ જાણીએ છીએ કે, આયાત નિકાસ જબ્બર વિષય છે. અને આ વ્યવસાય સાથે સંકળાયેલા ઉચ્ચ સરકારી અધિકારીઓ કરોડોમાં આળોટતાં હોવાની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે પરંતુ કસ્ટમના અધિકારીઓને ક્યાંકથી, કોઈ અદ્રશ્ય રક્ષાકવચ પૂરૂં પાડી રહ્યું છે એવું છેલ્લાં કેટલાંક વર્ષોથી સમજાઈ રહ્યું છે !