Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલ ઠેબા ગામ પાસે આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી છે, ઘટનામાં 2 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જયારે અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થતા ૩ જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી છે, ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામ નજીક આજે સવારે જીજે-10 ટીટી 9094 નંબરની પેસેન્જર રિક્ષા અને ઇકો વાહન સામસામા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોડપર ગામમાં રહેતાં પ્રેમજીભાઇ પરમાર અને તેના પત્ની સવિતાબેન જે પોતાના જામનગર સ્થિત પુત્રના ઘરે આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો અને જેમાં બન્નેના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય છ વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.