બોલો.....2 બિયરના ટીન સાથે ઝડપાયેલા વ્યક્તિ પાસેથી જમાદારે 1 લાખની માંગણી કરી

આવા કિસ્સાઓમાં લોકોને જાગૃત થવા એસીબીની અપીલ

બોલો.....2 બિયરના ટીન સાથે ઝડપાયેલા વ્યક્તિ પાસેથી જમાદારે 1 લાખની માંગણી કરી

Mysamachar.in:વલસાડ

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલાક કિસ્સાઓમાં કેટલાક પોલીસકર્મીઓ અને કેટલાક અધિકારીઓ ભરપુર ફાયદો સામેવાળાની સ્થિતિ જોઇને ઉઠાવે છે, આવો જ વધુ એક કિસ્સો વલસાડ જીલ્લામાં સામે આવ્યો છે. જ્યાં માત્ર 2 બિયરના ટીન સાથે ઝડપાયેલા એક વ્યક્તિ પાસેથી જમાદારે કેસના કરવા અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે ના કરવા 1 લાખની માંગની બાદ 70 હજારમાં ગોઠવ્યું હતું. પણ આ મામલે ફરિયાદીએ એસીબીને ફરિયાદ આપતા એસીબીએ આ લાંચિયા પોલીસકર્મીને ઝડપી પાડ્યો છે.

આ અંગેની વિગતો એવી છે કે વલસાડ જીલ્લાના ઉમરગામ દમણ કોસ્ટલ હાઈવે પર ફરિયાદી દમણથી નારગોલ તરફ આવી રહ્યા હતા. એ વખતે જ પેટ્રોલિંગમાં રહેલા મરીન પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ નૈનેશ મણીયાભાઈ હળપતિએ ફરિયાદીની બાઇકને રોકીને તપાસ કરતા ફરિયાદીની બાઇકની ડીકીમાંથી બીયરના બે ટીન મળી આવ્યા હતા. આથી હેડ કોન્સ્ટેબલ નૈનેશ હળપતિ ફરિયાદીને બીયરના બે ટીન સાથે મરીન પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ત્યાં પહોંચી ફરિયાદીને માર નહીં મારવાના અને વાહન જપ્ત નહીં કરવાની ઉપરાંત પ્રોહિબેશનનો કેસ નહીં કરવાના બદલામાં રૂપિયા 1 લાખની માગણી કરી હતી. માત્ર બે બિયરના ટીન કે જેની કિંમત માત્ર 160 રૂપિયા થાય છે તેના બદલામાં 20 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

આરોપી હેડ કોન્સ્ટેબલ નૈનેશે એક લાખની માગણી કર્યા બાદ લાંચની રકમમાં ઘટાડો કરવા માટે થયેલી રકઝકના અંતે ₹70,000માં પતાવટ કરવામાં આવી હતી. જેતે વખતે ફરિયાદીના ભાઈએ આરોપી હેડ કોન્સ્ટેબલને 50,000 રૂપિયા આપી પણ દીધા હતા અને 20,000 રૂપિયા બાકી હતા. આમ છતાં ફરિયાદી પર કેસ કરવામાં આવ્યો હતો, આ સાથે ફરિયાદી પાસેથી લાંચના બાકીના 20,000 રૂપિયા લેવા માટે પઠાણી ઉઘરાણી પણ કરાઈ હતી.

જોકે ફરિયાદી વધુ લાચ આપવા નહીં માંગતા હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરતા વલસાડ એસીબીની ટીમે લાંચિયા હેડ કોન્સ્ટેબલને ઝડપવા છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 20,000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી. આમ બીયરના બે ટીનના બદલામાં રૂપિયા એક લાખની લાંચની માગણી કરનાર એસીબીના સકંજામાં ફસાઈ ચુક્યો છે.