તમામ તાલુકાઓમાં નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ધરાવતો પ્રથમ જિલ્લો બનશે જામનગર

ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ. 1.70 કરોડથી વધુના ખર્ચે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉભી કરાશે

તમામ તાલુકાઓમાં નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ધરાવતો પ્રથમ જિલ્લો બનશે જામનગર
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in:જામનગર

આજથી દોઢ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં એક માત્ર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ હતી. તા.08/4/2021 ના રોજ જામજોધપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કીડની ડાયાલીસીસ કેન્દ્ર શરુ કરવામાં આવેલ જેમાં કિડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવતી. જ્યાં આજ દિન સુધી અંદાજે 1200 થી વધુ દર્દીઓને ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવેલ.

ત્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં કિડનીની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઘરાઅંગણે જ ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં સહયોગથી જિલ્લાના 4 સામુહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ.1,70,80,000 ના ખર્ચે કીડની ડાયાલીસીસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે. જેની તમામ વહીવટી તથા કીડની ઇન્સ્ટીટયુટ સાથેના MOUની પ્રકીયા પૂર્ણ કરી દેવામાં આવેલ છે.

આગામી 2 માસમાં આ કેન્દ્રો ખાતે લોકોને વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 4 કેન્દ્રો ખાતે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતેનાં દર્દીઓનો ઘસારો ઓછો થશે તેમજ અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોને તેમના રહેઠાણથી નજીકમાં જ ડાયાલીસીસની સુવિધા મળી રહેવાથી તેઓને આર્થિક બચત પણ થશે. આમ આ કેન્દ્રો ખાતેની ડાયાલીસીસની સુવિધા કીડનીની સારવાર લઈ રહેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ 4 કેન્દ્રો કાર્યરત થતા જામનગર જિલ્લાને તમામ તાલુકા સ્તરે નિ:શુલ્ક સરકારી ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ધરાવતા ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે.