વરસાદ વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે પણ આ ત્રણ દિવસ વરસી શકે છે વરસાદ

આ વર્ષ સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદ વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે પણ આ ત્રણ દિવસ વરસી શકે છે વરસાદ
file image

Mysamachar.in-અમદાવાદ

આ વર્ષ ચોમાસાની ઋતુએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી નાખ્યા છે, ત્યારે હવે આ વર્ષના ચોમાસાની વિદાય નજીક છે ત્યારે વિદાય લેતું ચોમાસું વધુ ત્રણ દિવસ વરસીને જાય તો નવાઈ નહિ...કારણ કે ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલ એટલે કે તારીખ 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એક સપ્તાહના વિરામ બાદ ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી 12 સપ્ટેમ્બરે સુરત-નર્મદા-વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી ખેડા , દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં, જ્યારે 12 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ-વલસાડ, નવસારી અને 14 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, વલસાડ, નવસારી, દમણમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે જે રીતે જાણવા મળે છે તે પ્રમાણે ચોમાસાની વર્તમાન સિઝનમાં વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે ચોમાસાની તબક્કાવાર વિદાય થઇ શકે.