કોંગ્રેસના નવા સુકાનીઓ માટે શહેર જીલ્લાની પક્ષની આંતરિક દિશા અને દશા બદલવા નો પણ છે પડકાર..

મનપામાં અઢી દાયકાથી ભાજપનું શાશન છે..

કોંગ્રેસના નવા સુકાનીઓ માટે શહેર જીલ્લાની પક્ષની આંતરિક દિશા અને દશા બદલવા નો પણ છે પડકાર..
file image

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખોની વરણી બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા લાંબા સમયથી રગળ ઘગળ ચાલતા વહીવટને પક્ષના સંગઠનને પાટે ચઢાવવા પક્ષ દ્વારા શહેરમાં યુવા અને જીલ્લામાં પીઢ આગેવાનને પ્રમુખપદે આરૂઢ કરવામાં આવ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ સંગઠનની આંતરિક દિશા અને દશા જામનગર શહેર અને જીલ્લામાં કેવી બદલાશે તે જોવાનું રસપ્રદ બની રહેશે, કારણ કે શહેર જીલ્લા કોંગ્રેસમાં ચાલતું ગૃપીસમ પક્ષને ધક્કો પહોચાડે છે, તો પક્ષમાં જ રહીને પક્ષ સાથે ગદારી કરનારાઓ અમુકને કારણે પક્ષમાં તડા જોવા મળે છે, ત્યારે નવા વરાયેલા પ્રમુખોએ આ કોઠાઓને ભેદ ઉકેલીને આગળ વધવું પડશે,

બીજી તરફ જામનગર સહિત ગુજરાતભરમાં મહાનગરપાલિકા અને તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણીઓને હવે લાંબો સમય રહ્યો નથી, ત્યારે લાંબા સમયથી જામનગર શહેર અને જીલ્લા કોંગ્રેસમાં પ્રમુખ સહિતના નેતૃત્વની ખામી ઉડીને આંખે વળગતી હતી, એવામાં જામનગર જીલ્લાના કોંગી પ્રમુખપદે કોંગ્રેસને સમર્પિત પીઢ આગેવાન જીવણભાઇ કુંભરવડીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા અને લડાયક ગણાતા નેતા વિરેન્દ્રસિંહ ટેમુભા દીગુભા જાડેજાની વરણી કરવામાં આવી છે, પક્ષે તો બન્ને પ્રમુખોની વરણી કરી દીધી પણ આવી રહેલી મનપા અને પંચાયતોની ચુંટણી અને આંતરિક અસંતોષની અગ્નિને ઠારી અને પક્ષમાં સૌ એક થઇ કામ કરે તે પ્રમુખોની કસોટી સમાન છે,

જીલ્લા કોંગી પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા 2012 થી 2017 સુધી જીલ્લાના પ્રમુખપદે રહી ચુકયા છે અને આ પછી 2017માં તેમને પક્ષે જામનગર ઉતર વિધાનસભાની બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, અને જે.ટી. પટેલને પ્રમુખપદ અપાયું હતું. જીવણભાઇને પંચાયતી રાજનો 25 વર્ષનો ખુબ મોટો કહી શકાય તેવો અનુભવ છે અને સહકારી ક્ષેત્રમાં તેઓ 20 વર્ષથી જેટલા સમયથી સક્રિય છે,અને પક્ષે તેની નિષ્ઠા જોઇને બીજી વખત જીલ્લાનું સુકાન સોંપ્યું છે, તો શહેર કોંગી પ્રમુખ તરીકે નિયુકત થયેલા દિગુભા જાડેજા 2008માં યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ બન્યા હતા, 2012માં જીલ્લા યુવા કોંગી પ્રમુખ તરીકે નિમાયા હતા અને 2016 થી 2018 જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ તરીકે રહયા હતા.

આ બંને પ્રમુખો સામે હાલમાં જોઇએ તો સ્વાભાવીક રીતે પાલિકા-પંચાયતોની ચુંટણી પહેલી અને સૌથી મોટી ચેલેન્જ છે, તો શહેર પ્રમુખ દીગુભા જાડેજા સામે મહાનગરપાલીકાની ચુંટણીમાં કોંગી તરફનો દેખાવ સારો રહે એવી જવાબદારી રહેશે, અત્રે નોંધનીય છે કે ગત વખતે કોંગ્રેસ દ્વારા મહાપાલીકાની ચુંટણીમાં જોરદાર દેખાવ કરાયો હતો અને 24 બેઠક મેળવી હતી, હાલ મહાપાલીકામાં કોંગી પાસે 13 બેઠક છે. આમ જામનગર શહેર અને જીલ્લામાં નબળું પડી ગયેલ કોંગ્રેસનું સુકાન તો સોંપ્યું પણ હવે ચુંટણીઓ નજીક છે અને પરિણામો સ્પષ્ટ કરી આપશે કે હાથ ઉપર રહેશે કે કમળ ખીલી ઉઠશે.