ખંભાળિયાના ફટાકડાના વેપારીઓને મામલતદાર દાંટી મારતા હોવાનો મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન

મામલતદારે શું આપી પ્રતિક્રિયા

ખંભાળિયાના ફટાકડાના વેપારીઓને મામલતદાર દાંટી મારતા હોવાનો મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્યના મહેસૂલ વિભાગને પારદર્શક વહીવટ માટે અગાઉના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલથી માંડીને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નતનવા ગતકડા કરીને જાહેરાત કરી રહ્યા છે, બીજી બાજુ મામલતદારથી માંડીને ઉચ્ચ અધિકારી સુધી ગેરરીતિ આચરવામાં આવતી હોવાના પ્રજામાંથી વારંવાર આક્ષેપો થાય છે,..

ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના મામલતદાર સામે લાઇસન્સવાળી બંધુકથી વેપારીઓને ધમકાવતાં હોવાનું અને મહેસૂલી કામ કરવાના નામે પૈસા માંગવાના કથિત આક્ષેપો મામલતદાર કક્ષાના અધિકારી સામે થતાં દ્વારકા જીલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ફરજ બજાવતા મામલતદાર ચિંતન વૈષ્ણવ તેમજ તેના વચેટિયાઓ દ્વારા કથિત ખેતીની જમીનમાં વારસાઈ એન્ટ્રી પાડવા માટે વાંધા-વચકા કાઢીને અરજદારો પાસે પૈસાની માંગણી કરીને હેરાન કરવાનો તેમજ ખાતેદાર ખેડૂતો હોવા છતાં વારસાઈ એન્ટ્રી માત્ર ને માત્ર વહીવટ ન કરવાના કારણે નામંજૂર કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ સોયબભાઈ નામના વ્યક્તિએ કર્યો છે, જ્યારે ખંભાળિયાના વર્ષોથી ફટાકડાનો ધંધો કરતાં વેપારીઓ પાસે ફટાકડાના કાયમી લાયસન્સ હોય તે રદ કરીને કામ ચલાઉ લાયસન્સ લેવા માટે મામલતદાર ધમકાવતા હોય અને માર્ચ મહિનામાં વેપારીઓએ લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરેલ હોવા છતાં રીન્યુ કરવામાં આવ્યા નથી અને મામલતદાર પોતાની પરવાનાવાળી બંદુકથી ધમકાવીને ઉઘરાણા કરવા માટે પરેશાન કરીને ફટાકડાના લાયસન્સ મુદ્દે ઘરની ધોરાજી ચલાવીને મનમાની કરતાં હોય તેવો કથિત આક્ષેપ ફટાકડા એશોસીએસનના વેપારીઑ દ્વારા કરીને ખંભાળિયા મામલતદાર અને ફટાકડા એશોસીએસન આમને-સામને થઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે,  

ખંભાળિયાના મામલતદાર વૈષ્ણવ સામે વારસાઈ એન્ટ્રી પાડવાના નામે પૈસા માંગવાના કથિત આક્ષેપોથી લઈને ફટાકડાના લાયસન્સ રીન્યુ કરવાના મુદ્દે વેપારીઓ અને મામલતદાર આમને સામને આવી ગયા છે,

જેના પર કથિત આક્ષેપ છે તે મામલતદાર વૈષ્ણવ શું કહે છે..
મામલતદાર ચિંતન વૈષ્ણવએ જણાવ્યુ હતુ કે, આક્ષેપ કરનારની ખેતીની જમીનમાં વારસાઈ એન્ટ્રી સરકારના નિયમો જોગવાઈને ધ્યાનમાં રાખી નામંજૂર કરેલ છે અને તમામ પ્રક્રિયા ઓનલાઈન જોઈ શકાય છે જ્યારે વેપારીઓના ફટાકડાના લાઇસન્સમાં નિયમ વિરુદ્ધ ક્ષતિઓ હોવાથી રદ કરવામાં આવેલ છે, ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, મારા પર કોઈ રાજકીય દબાણ નથી અને જીલ્લા લોકલ ફંડના કર્મચારીઓને બીએલઑની કામગીરીમાંથી મુક્તિ આપવામાં ન આવતા રાગદ્વેષ રાખીને મારો ૪ માસથી પગાર પણ અટકાવી દેવામાં આવ્યો છે..અને તેમણે પોતાના પર થયેલ આક્ષેપો ને નકાર્યા  હતા 

પોતાના પર થયેલ હુમલો અને સોશિયલ  મીડિયાની ફેક પોસ્ટ મુદ્દે મામલતદાર શા માટે નથી નોંધાવતાં ફરિયાદ...
ખંભાળિયામાં બનેલ સમગ્ર ઘટનાક્રમ બાદ મામલતદાર પર તેમની જ કચેરીમાં હુમલો કરીને ગેરવર્તન કરવામાં આવ્યું અને મામલતદારને આ ટોળાના ઘેરામાંથી  બચાવીને લઈ જવામાં આવ્યા હોવાનો ખુદ મામલતદાર ચિંતન વૈષ્ણવ જણાવી રહ્યા છે.અને ફેસબૂકમાં મારુ કોઈએ ફેક એકાઉન્ટ બનાવી આ એકાઉન્ટમાં મારો ફોટો મૂકીને રાજકીય પ્રેશર હોવા સહિતની બાબતોનું લખાણ વાઇરલ કરેલ છે...આ મારી પોસ્ટ નથી તેવું મામલતદાર ચિંતન વૈષ્ણવ જણાવી રહ્યા છે, ત્યારે મામલતદાર પર થયેલ હુમલો અને સોસિયલ મીડિયા પર મામલતદાર કક્ષાના અધિકારીનું ફેક એકાઉન્ટ બનાવનાર સામે શા માટે ચિંતન વૈષ્ણવ ફરિયાદ નોંધાવતાં નથી અને એકાએક રજા ઉપર ઉતરી ગયા છે,તે સવાલ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.