ગુજરાતમાં આ વિસ્તારોમાં ફરી માવઠાની છે આગાહી

ગુજરાતમાં આ વિસ્તારોમાં ફરી માવઠાની છે આગાહી
file image

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં આવતીકાલે માવઠાની આગાહી વચ્ચે હવામાન ખાતાએ ઠંડી ઘટવાની આગાહી કરી છે. રાજ્યમાં આજે નલિયામાં ઠંડીમાં વધારો થતા લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાય તાપમાન ગુલાબી ઠંડીનું રહ્યું હતું. અલબત્ત વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.હાલમાં ઉત્તર-પૂર્વીય દિશાનો પવન જમીની સ્તરથી ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચાર થી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઉછાળો આવશે. મતલબ ઠંડી ઘટશે. જો કે હજુ પણ શહેરમાં મોડી રાત્રે અને પરોઢિયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે.

હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે તા.17ના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બાકીના ભાગોમાં વાતાવરણ સુક્કું રહેશે. તા.18ના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.