રાજકોટના રેશનવોર્ડમાં બોગસ ફિંગરપ્રિન્ટ એ જામનગર સહિત આઠ જિલ્લાનો જ છેડો કે શું?

હાલાર સહિત સૌરાષ્ટ્રભરમાં સસ્તા અનાજની અનેક ગેરરિતીઓ સામે આવતી હોઇ રાજ્યકક્ષાએથી તંત્ર હરકતમાં

રાજકોટના  રેશનવોર્ડમાં બોગસ ફિંગરપ્રિન્ટ એ જામનગર સહિત આઠ જિલ્લાનો જ છેડો કે શું?
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-રાજકોટ:જામનગર:

રાજકોટમાં લાંબા સમય બાદ રેશન વોર્ડનુ આમ નવતર પણ આમ જુનુ જાણીતુ કૌભાંડ ઝડપાતા ચકચાર તો મચી છે સાથે અનુમાન પણ એ છે કે જામનગર જિલ્લામાંથી જે અંગુઠા કૌભાંડ ઝડપાયેલુ અને જામનગર સહિત આઠ જિલ્લાનુ નેટવર્ક હોવાનુ તપાસ એજન્સીને જે પ્રાથમિક ગંધ આવેલી તે જ આ રાજકોટનુ કૌભાંડ હોય શકે તેવા અનુમાન વચ્ચે હાલારના બંને જિલ્લામા પણ અંગુઠાની ગેરરિતી ઉપરાંત સસ્તા અનાજની અમુક દુકાનોમાં બીજી અનેક ગેરરિતી થતી  હોવાની દરરોજ નવી નવી સ્ફોટક બાબત સામે આવી રહી છે,

જે સનસનીખેજ તો છે જ સાથે-સાથે આ વિગતો જાહેર થયે લગત તંત્રને મક્કમ પગલા લેવા આગળ ધપવુ એ શક્યતા નકારી શકાતી નથી તેવી સંવેદનશીલ અમુક બાબત જામનગર શહેરમા સસ્તા અનાજ વોર્ડ ક્ષેત્રની છે, તેવુ સુત્રો જે અવિરત વિગત આપી રહ્યા છે અને તેના ઠોસ પુરાવાઓ એકત્ર થઇ રહ્યા છે અને વિગત મેળવાઇ રહી છે તેના ઉપરથી આ  તારણ નીકળે છે.

હાલ જે રાજકોટનુ એક જ પ્રકારનુ કૌભાંડ સામે આવ્યુ તેમા મળતી વિગત જોઇએ તો અમદાવાદમાં પોલીસે સસ્તા અનાજની દુકાનેથી બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડ પકડી પાડ્યું હતું જેમાં રાજકોટના 25 સસ્તા અનાજની દુકાનોના પરવાનેદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, અને હવે તે તમામના લાઇસન્સ સસ્પેન્ડ કરવા પુરવઠા અધિકારીએ હુકમ કર્યો છે. એકસાથે 25ના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની આકરી કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે.આરોપીઓની યાદી તંત્રને મોકલી છે અને કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા છે તેથી હવે આ પરવાનેદારોના 90 દિવસ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.

સસ્પેન્ડ કરાયા બાદ બધા પરવાનેદારને સાંભળવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ત્યાના જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ આ જથ્થા અંગે ઘણા દુકાનદારોના નામ ખુલ્યા છે પણ હજુ તપાસમાં સ્પષ્ટ થયું નથી. તપાસ પૂર્ણ થયે સંડોવાયેલા દુકાનદારોના નામ પણ જાહેર થશે અને કડક કાર્યવાહી પણ કરાશે.

- જામનગર જિલ્લા માટે ફ્લેશબેકમાં જઇએ તો.....

જામનગર શહેર અને જિલ્લા માટે ફ્લેશબેકમા જઇએ તો ગયા વર્ષમાં અમદાવાદ સાયબર ક્રાઇમે રાજ્યવ્યાપી સસ્તા અનાજને બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી ફિંગર પ્રિન્ટ બનાવીને રેશનકાર્ડનું બારોબાર વેચાણ કરવાના ષડયંત્રમાં મુખ્ય સુત્રધાર સહિત ચારની ધરપકડ કરવામાં આવ્યા બાદ જામનગર સહિત આઠ જિલ્લાના સસ્તા અનાજના વેપારીઓની સંડોવણી ખુલી છે, ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલના બે વેપારી બાદ જામનગરના પણ અમુક વેપારીની સંડોવણી ખુલતા ભાગદોડ મચી જવા પામી હતી અગાઉની બાબત વધુમા જોઇએ તો ત્યારે મળેલી વિગત મુજબ અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ દરમિયાન ઝડપાયેલા ચાર શખ્સો દ્વારા સસ્તા અનાજના દુકાનદારોનો સંપર્ક કરીને રેશનકાર્ડ ધારકોના ડેટા મેળવી તેના આધારે રેશનકાર્ડના ખોટા બીલો બનાવવા માટે રબર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને રેશનકાર્ડ ધારકોના અંગુઠાના ફિંગર પ્રિન્ટ બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતુ હોવાનું જે-તે સમયે સામે આવ્યુ અને ઝડપાયેલા શખ્સો પાસેથી 25 હજારથી વધુ નાગરીકોના રેશનકાર્ડ અને આધારકાર્ડના ડેટા મળ્યા જેમાં જામનગર જિલ્લાના કાર્ડ ધારકોના પણ ડેટા હોવાનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કરીને ધ્રોલના બે વેપારીને ઝડપી લઇને રીમાન્ડ દરમિયાન પુછપરછમાં અનેક ખુલાસા થયા હતા,

દરમિયાન સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના સસ્તા અનાજના હજુ બીજા અમુક વેપારીઓએ નકલી ફિંગર પ્રિન્ટ મેળવીને કૌભાંડ આચર્યુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને આ ટોળકી જામનગરમાં આવીને 20 હજાર ભાવ નક્કી કરીને કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવતા આગામી દિવસોમાં કાર્યવાહી કરવાના સ્પષ્ટ સંકેતો પોલીસે આપ્યા હતાં કેમકે લોકડાઉન ગાળામા વધુ ગેરરિતિ થયાનુ તપાસનીશ એજન્સીનુ માનવુ છે અત્રે ઉલ્લેખનીય છે જામનગર શહેરમા થોડા સમય પહેલા બોગસ અંગુઠા પ્રકરણમા બે લાયસન્સ રદ થયા હતા ત્યારે હવે તો આ સાથે બીજી પણ ગેરરિતીઓના સ્ફોટક  મુદા ઝુંબેશ અને અભિયાન દરમ્યાન સામે આવતા હોય તે જાહેર થયે ગંભીર અતિ ગંભીર પગલા અવશ્ય લેવાય તેવો માહોલ ચોક્કસ બનશે તેમ પણ સુત્રોએ શક્યતા વ્યક્ત કરી છે.