Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં રહેતા એક પિતા-પુત્ર દ્વારા જેટકો કંપનીની વીજપોલ અંગેની કામગીરીમાં અડચણ પેદા કરી, જેટકો કંપનીના સ્ટાફ સાથે અયોગ્ય વર્તન કરવા તથા ચોરી કરવા સબબ કુલ એક ડઝન જેટલા શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ પોલીસ ફરિયાદ મૂળ પશ્ચિમ બંગાળના હાવડા ખાતે રહેતા અને હાલ જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા કંપની કર્મચારી કૌશિકભાઈ બીજુશેખર ભટ્ટાચાર્ય દ્વારા કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામે રહેતા માંડણ રામા ભોચીયા અને નિનેન્દ્ર માંડણ ભોચીયા ઉપરાંત અન્ય આઠથી દસ જેટલા અજાણ્યા શખ્સો સામે નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ઉપરોક્ત બંને શખ્સો દ્વારા તેમના કબજા ભોગવટાની માલિકીની ધુમથર ગામની સીમમાં આવેલી રે. સરવે નંબર 44 વાળી જમીનમાં જેટકો કંપનીની 400 કે.વી. ડી.સી. વિજલાઈનના ટાવર ઉભો કરવાના ચાલી રહેલા કામમાં તેઓએ સરકારના નિયમ મુજબ વળતર નહીં સ્વીકારી અને વધુ વળતરની માગણી કરી આ રકમ મેળવવા માટે અન્ય 8 થી 10 જેટલા શખ્સોની મદદ લઈ અને પૂર્વ આયોજિત કાવતરું રચીને આ માટે એકસંપ કરી અને ગેરકાયદેસર મંડળી રચી, ટાવરનું કામ બંધ કરાવ્યું હતું.
આ શખ્સો દ્વારા ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓના હુકમની અવગણના કરી આ સ્થળે રહેલા કંપની કર્મચારી કૌશિકભાઈ ભટ્ટાચાર્ય તથા અન્ય કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અભદ્ર વર્તન કર્યાનું તથા નીનેન્દ્ર માંડણ દ્વારા જેટકો કંપનીના ટાવર ફાઉન્ડેશનના સપોર્ટ માટે લગાવવામાં આવેલા લોખંડના પાઇપ કાઢી નાખી અને નુકસાન કર્યાનું જાહેર થયું છે. આટલું જ નહીં, રૂપિયા બે હજારની કિંમતના ચાર પાઈપની ચોરી પણ કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, આરોપીઓ દ્વારા સરકારની જેટકો કંપની મિલકતને નુકસાન પહોંચાડવા સબબ કલ્યાણપુર પોલીસ કૌશિકભાઈ ભટ્ટાચાર્યની ફરિયાદ પરથી દસેક જેટલા અજાણ્યા શખ્સો સહિત કુલ 12 જેટલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 385, 120- બી, 143, 145, 186, 504, 427, 379 તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ અને ઈલેક્ટ્રીકસીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.