રાજ્યના ફૂડ એન્ડ સેફટી ડ્રગ વિભાગના કમિશનરે આપી માહિતી, મિલાવટ કરનારાઓ પર થાય છે કાર્યવાહી

દશેરા બાદ 3 હજાર સેમ્પલ રાજ્યભરમાંથી લેવાયા છે.

રાજ્યના ફૂડ એન્ડ સેફટી ડ્રગ વિભાગના કમિશનરે આપી માહિતી, મિલાવટ કરનારાઓ પર થાય છે કાર્યવાહી
file image

Mysamachar.in-ગાંધીનગર

જયારે કોઈ તહેવારો નજીક હોય ત્યારે રાજ્યભરમાં ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે તપાસણી ઝુંબેશો હાથ ધરવામાં આવતી હોય છે, કોઈ દુકાનોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનો નાશની કાર્યવાહી તો કોઈ જગ્યાએ સેમ્પલો પૃથકકરણમાં મોકલાવી જો રીપોર્ટ નેગેટીવ આવે તો જરૂરી કાર્યવાહીઓ પણ જેતે વેપારીઓ સામે કરવામાં આવતી હોય છે, ખાસ તો દિવાળીમાં આરોગ્યને નુકશાન થાય તેવા નાસ્તા અને મીઠાઈનું વેચાણ પણ થાય છે. ત્યારે આરોગ્ય વિભાગ દરોડા પાડીને ચકાસણી કરતું હોય છે. ત્યારે આ વિશે રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ વિભાગના કમિશનર ડો. એસજી કોશિયાએ જણાવ્યું કે, ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ ડિપાર્ટમેન્ટ ફૂડ સેફ્ટી માટે ટોપ પ્રાયોરિટી રાખે છે.

ફરસાણ અને મીઠાઈનો તહેવારમાં વપરાશ વધે છે. કેટલાક લેભાગુ લોકો ખોરાકમાં મિલાવટ કરે છે. સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો તપાસ કરી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે, દશેરા બાદ 3 હજાર સેમ્પલ રાજ્યભરમાંથી લેવાયા છે. 7 ટન જેટલો માલ નાશ કરવામાં આવ્યો છે. સેમ્પલની તપાસ ચાલી રહી છે જે સેમ્પલ નિષ્ફળ જશે તેની સામે કાર્યવાહી થશે. દુકાનોમાં સાફ સફાઈ બાબતે નિર્દેશો આપવામાં આવ્યા છે. વર્ષે રેગ્યુલર 15 હજાર સેમ્પલ લેવાય છે. 6 થી 8 ટકા સેમ્પલ નિષ્ફળ જાય છે. જાણી જોઈને કેટલીક જગ્યાએ મિલાવટ થાય તેવા કેસ 0.25 ટકા છે. 14 દિવસમાં રિપોર્ટ આપી દેવામાં આવે છે. સબ સ્ટાન્ડર્ડ સામે કાર્યવાહી થાય છે. મિલાવટ કરનાર સામે 2 લાખનો દંડ થાય છે. આજ સુધી 17 કરોડનો દંડ વસૂલાયો છે. ક્રિમીનલ પ્રોસીડિંગમા 405 થી વધુ કેસો કોર્ટમાં દાખલ થયા છે.

તો લોકોને પણ જે વાત જાણવાનો વધુ રસ હોય છે કે કેવા-કેવા પ્રકારની મિલાવટ થાય છે તે વિશે ડો.કોશિયાએ જણાવ્યું કે, દૂધમાં મિલ્ક ફેટ નીકળતા હોય છે. જેમાં ફેટની ભેળસેળ થાય તો તપાસ થાય છે. મીઠાઈમાં કલરની હલકી માત્રાની ભેળસેળ થાય છે. ઘી, તેલમાં પણ મિલાવટ થતી હોય છે. આર્થિક લાભ લેવા માટે ભેળસેળ થાય છે. ફૂડ સેફ્ટી અને કોવિડ સેફ્ટી ધ્યાન રખાય છે. વેપારી અને સ્ટાફને સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન અપાઈ છે આમ રાજ્યનું ફૂડ એન્ડ સેફટી વિભાગ તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તેવી મીઠાઈ અને ફરસાણ લોકો આરોગે તેવી તકેદારી રાખી જરૂરી કાર્યવાહી કરતુ હોવાની વાત તેવોએ અંતે કરી હતી.