જંત્રીદરમાં બમણાં વધારા મુદ્દે સરકારની અણઆવડત સાવ ખૂલ્લી પડી ગઈ !

આ પ્રકારની ધડાધડ જાહેરાત પહેલાં સરકારે હોમવર્ક કર્યું જ નથી ?! : સમગ્ર રાજ્યમાં લોકનારાજગી.....

જંત્રીદરમાં બમણાં વધારા મુદ્દે સરકારની અણઆવડત સાવ ખૂલ્લી પડી ગઈ !

Mysamachar.in:ગાંધીનગર

જંત્રીદરમાં બમણાં વધારા મુદ્દે ભૂપેન્દ્ર પટેલ સરકાર બરાબર ભેરવાઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં સરકારનાં આ ઉતાવળિયા નિર્ણયની આકરી આલોચનાઓ થઈ રહી છે. અને, આ લોકવિરોધને ધ્યાનમાં રાખીને સરકારે હવે પાછાં પગલે ચાલવાનું શરૂ પણ કરી દીધું છે. પરંતુ આમ છતાં લોકોમાં આ મુદ્દે ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

જાણકારો કહે છે : પ્રથમ મુદ્દો એ છે કે, સરકારે પાછલાં અગિયાર વર્ષ દરમિયાન જંત્રીના દરોની સમીક્ષા જ ન કરી ! સ્ટેક હોલ્ડરનાં અભિપ્રાયો પણ ન લીધાં. અને, આ અગિયાર વર્ષનાં લાંબા સમય સુધી જંત્રીના દરોમાં જે વિસંગતતાઓ છે તેને દૂર કરવા પણ ધ્યાન ન આપ્યું ! સરકાર પાસે પાછલાં અગિયાર વર્ષ દરમિયાન તક હતી કે, જંત્રીની ચોક્કસ સમયે તાર્કિક સમીક્ષા થાય, બાદમાં દસ-બાર-પંદર ટકા વધારો પણ કરી શકાય. પરંતુ ગુજરાત સરકારે આ સોનેરી તક વેડફી નાંખી ! અને, પછી અચાનક વર્ષો બાદ ઉંઘમાંથી જાગી અને આંખો ચોળતા ચોળતા બોલી: હવેથી જંત્રીના દરો આટલાં !

સરકારનું આ પ્રકારે સંચાલન સ્વાભાવિક રીતે જ ટીકાપાત્ર બનતું હોય છે. સરકારે આ જાહેરાત કરતાં પહેલાં તમામ સ્ટેક હોલ્ડરનાં અભિપ્રાયો જાણવા જરૂરી હતાં. સમગ્ર પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી જરૂરી હતી. અને પછી, નવાં જંત્રીદરો લાગુ કરવાની નિયત તારીખ ચોક્કસ સમયગાળા પહેલાં જાહેર કરી, લોકોને સમય આપવાની આવશ્યકતા હતી. પરંતુ સરકારે કશું જ હોમવર્ક ન કર્યું ! અંતે સરકારે તીખી ટીકાઓ સહન કરવી પડી રહી છે. અને, આટલી હદે બબાલો પેદાં કર્યા પછી પણ, સરકારનાં પ્રવક્તાએ કેવી વિચિત્ર જાહેરાત કરી ?! સાતમી ફેબ્રુઆરીએ જાહેર કર્યું કે, જંત્રીના દરોમાં બમણો વધારો પાંચ ફેબ્રુઆરીથી અમલી. અને સાથેસાથે એમ કહ્યું : સરકાર આ અંગે નવો નિર્ણય જાહેર કરશે ત્યાં સુધી આ વધારો લોકોએ ચૂકવવાનો રહેશે. બાદમાં નવો નિર્ણય લાગુ થશે.

સરકારનાં પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલની આ જાહેરાતને કારણે અકળાયેલા લોકો પૂછી રહ્યા છે કે, આ બે નિર્ણયો વચ્ચેનાં સમયગાળામાં જે લોકોએ ફરજિયાતપણે દસ્તાવેજોની નોંધણી કરાવવાની થશે તેઓએ જંત્રીના દરોમાં થયેલો બમણો વધારો ચૂકવવો પડશે, આ નાગરિકોનો વાંક શું છે ?! એવું લોકો પૂછી રહ્યા છે. સરકારની આ જાહેરાતનાં કારણે મિલ્કતોની ખરીદીનાં દસ્તાવેજો બનાવવાનું લોકો ટાળશે. નવાં નિર્ણયની રાહ જોશે. જો કે જેઓ માટે દસ્તાવેજ બનાવવાનું ફરજિયાત છે તેઓએ આ બમણો વધારો નાછૂટકે સહન કરવો પડશે. ટૂંકમાં, સરકારની સ્પષ્ટ અણઆવડતને કારણે જામનગર સહિત રાજ્યભરમાં લાખો નાગરિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને દસ્તાવેજ નોંધણી ક્ષેત્રમાં હાલ ભારે અંધાધૂંધી ફેલાઈ છે ! લોકોમાં ભારે નારાજગી છે.