Mysamachar.in-જામનગર:
જામનગર એક અર્થમાં પૂંછડીયું શહેર છે ! આ જિલ્લામાં અમુક સરકારી વિભાગો તો શું કામગીરી અથવા કાર્યવાહી કરી રહ્યા છે ? તે અંગે ક્યારેય, કશી જ વિગતો જાહેર થતી નથી ! આ વિભાગો મૂંગે મોંએ માત્ર મોજ જ માણી રહ્યા હોય એવી સ્થિતિ છે. વડી કચેરીઓ પણ જામનગર પર ચાર હાથ રાખે છે ! આવું એક તંત્ર છે – આવકવેરા તંત્ર.
જામનગરમાં ઈન્કમટેકસ વિભાગ દ્વારા કયારેય, કોઈ જ કાર્યવાહી નોંધપાત્ર દ્રષ્ટિએ થવા પામી નથી. લાગતાં વળગતાઓને બાદ કરતાં સામાન્ય નગરજનોને તો એ પણ ખબર નથી કે, આ કચેરી છે ક્યાં ?! આ કચેરી મૂંગા મોઢે કામો ઉતારી લેવા મુદ્દે જાણીતી છે. આ કચેરીએ ક્યારેય સર્વે, સર્ચ, દરોડો કે અટકાયત તથા સિઝર જેવી કોઈ કામગીરી જાહેરમાં કરી નથી. ક્યારેક સમ ખાવા પૂરતી કોઈ કાર્યવાહી અમદાવાદ કે રાજકોટ કચેરી દ્વારા જામનગરમાં કરવામાં આવે ત્યારે પણ જામનગર કચેરી તો ઓઝલમાં જ રહે ! ન ક્યારેય દરોડાની વિગતો બહાર આવે. ન ક્યારેય ડિસ્કલોઝર અંગે પ્રેસ યાદી જાહેર થાય. ટૂંકમાં, આ વિભાગની દ્રષ્ટિએ જામનગરમાં ક્યાંય કાળું નાણું છે જ નહીં ! બેનંબરી નાણાંકીય વ્યવહારો કોઈ કરતું જ નથી ! ઈન્કમટેકસ વિભાગની માફક સૌ ડાહ્યા ડમરા !!
આપણે સૌ જાણીએ છીએ કે, ચૂંટણીનાં દિવસો હોય કે પછી, સામાન્ય દિવસો આંગડીયા સહિતનાં ઉપાયો દ્વારા બેનંબરી નાણાંકીય હેરાફેરી ત્રણસો પાંસઠ દિવસ ચાલુ જ રહેતી હોય ! હવાલાઓનુ બજાર પણ મોટું હોય છે. આમ છતાં કાયમ માટે ઈન્કમટેકસ વિભાગ અજાણ્યો જ રહે !
કાલે બુધવારે રાત્રે ચૂંટણી આચારસંહિતા અંતર્ગત કામગીરી ‘ દેખાડવા ‘ સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા રોકડ રકમ સાથે રાજકોટની એક વ્યક્તિને આંતરવામાં આવી. રોકડના જથ્થાની કોઈ સત્તાવાર જાહેરાત પણ નહીં. અધિકારીઓ પૂછીએ તો કહે: કેસ આવકવેરા વિભાગને સોંપી દીધો ! અને, આવકવેરા વિભાગ તો ન બોલવા મુદ્દે હંમેશા વિવાદમાં રહે છે ! ટૂંકમાં, આ પ્રકારની હેરાફેરીઓ મુદ્દે ખાલી ખાલી હો હા ઉભી કરવામાં આવે, બાકી તો વર્ષનાં 365 દિવસની માફક ચૂંટણીઓ દરમિયાન પણ બધું જ ગોઠવણથી ચાલ્યે રાખે. ટીમો અને ચેક પોસ્ટ બધું જ જાણે અભિનય !! અને, આવકવેરા વિભાગનાં પરપ્રાંતિય અધિકારીઓ તો જામનગર postings માત્ર મોજ માણવા જ મેળવતાં હોય એવું ચિત્ર વર્ષોથી જોવા મળે છે ! કસ્ટમ અને DRI સહિતના વિભાગો પણ આ પ્રકારના જ છે. GST-CGST વિભાગ પણ આ જ નાતમાં છે, આ પ્રકારની સ્થિતિને કારણે ખોટું કરનારાઓને જામનગરમાં કાયમ મોજ જ રહી છે, ચૂંટણી હોય કે પછી, આડાં દિવસો !