પૂર્વ સરપંચ અને કોંગી આગેવાન સહિત ૨૧ શખ્શોએ ખાનગી કંપનીના અધિકારી પર કર્યો હુમલો

વાહનોના ભૂક્કા બોલાવ્યા

પૂર્વ સરપંચ અને કોંગી આગેવાન સહિત ૨૧ શખ્શોએ ખાનગી કંપનીના અધિકારી પર કર્યો હુમલો

mysamachar.in-દેવભૂમિ દ્વારકા: 

રાજ્ય સરકાર સાથે એમ.ઑ.યુ.કરીને પવન ચક્કીનું કામ કરવા આવેલ ખાનગી કંપનીના અધિકારી,મેનેજર પર ખંભાળીયા તાલુકાનાં માળી ગામ પાસે પૂર્વ સરપંચ,કોંગ્રેસનાં આગેવાન સહિત ૨૧ શખ્શોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી,લૂટ ચલાવીને કંપનીના વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવતા માળી ગામ પાસે ભાગદોડ મચી જવા પામી હતી અને ફિલ્મી ઢબે હુમલાની આ ઘટના બનતા ખંભાળીયા તાલુકામાં ભારે ચકચાર જાગી છે,

બનાવની મળતી વિગત મુજબ રાજ્ય સરકાર સાથે વાઈબ્રન્ટ સમિટ હેઠળ એમ.ઑ.યુ. કરીને પાવરિકા નામની ખાનગી કંપની દ્વારા ખંભાળીયા તાલુકાનાં માળી ગામ પાસે પવન ચક્કી માટેના  પાવર પ્લાન્ટ ઊભો કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે,....ત્યારે માળી તથા પીપરીયા ગામના ૨૧ શખ્શો જેમાં પૂર્વ સરપંચ,કોંગ્રેસના આગેવાન સહિતનાઓએ કંપનીના અધિકારી તાનાજી શંકર પાટીયા અને કંપનીના મેનેજર કૈલાશ રાઠોડ પર ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો અને મોબાઇલની લૂંટ ચલાવીને,કંપનીના ૪ વાહનો ઉપર તૂટી પડી તોડફોડ કરી હતી,જ્યારે કંપનીના મેનેજર કૈલાશ રાઠોડ પાસે બળજબરીથી ૪૦ લાખ પડાવવા માટે તેના પર પણ ઘાતક હથિયારો સાથે તૂટી પડી બેફામ માર મારતા કૈલાશ રાઠોડને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે,

આ ઘટનાની જાણ થતાં તાકીદે ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એ.બી.જાડેજા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને તમામ ૨૧ હુમલાખોર સામે ફરિયાદ નોંધીને તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.